• મંગળવાર, 31 માર્ચ, 2026

મહાયુદ્ધથી આખી દુનિયા દાઝી રહી છે

નવી દિલ્હી, તા. 30 : ઈરાન યુદ્ધની અસર ભારત ઉપર સીધી જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 8 ભારતીય મિડલ ઈસ્ટ દેશોમાં માર્યા ગયા છે. આ ઉપરાંત ગેસ અને તેલની સપ્લાય ઉપર પણ અસર પડી છે. ખાતરની કમીની આશંકા વ્યક્ત થઈ રહી છે. જેનાથી ખેતી ઉપર પણ અસર પડી શકે છે. આ સ્થિતિ ભારતમાં જ નહી પણ પાકિસ્તાન અને ચીન સહિત દુનિયાભરમાં છે. પાકિસ્તાને તો સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ હોમના આદેશ આપ્યા છે અને પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ભારે વધારો કરી દીધો છે. આ દરમિયાન બ્રાઝીલ, ઓસ્ટ્રેલિયા, સાઉથ કોરિયા, થાઈલેન્ડ, બંગલાદેશ સહિત તમામ દેશ ઉપર અસર છે.

1-ઈરાનમાં ભારે યુદ્ધના કારણે ખાતરની કમી જોવા મળી રહી છે. જેનો મોટો હિસ્સો સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થાય છે. આ ઉપરાંત વેનેઝુએલાની સપ્લાય ઉપર પણ અમેરિકાએ પ્રતિબંધ મુકી દીધો છે. જેની અસરના કારણે મોટાપાયે ઘઉંનું ઉત્પાદન કરતા ઓસ્ટ્રેલિયામાં ચાલુ વર્ષે માત્રા ઘટાડી દેવામાં આવી છે. કિસાનોને ચિંતા છે કે ખાતર મોંઘું થઈ જશે. દુનિયાનું 33 ટકા ખાતર હોર્મુઝના રસ્તે જ થઈને નિકળે છે.

2-દક્ષિણ કોરિયાનું સંકટ પણ દિલચસ્પ છે. જ્યાં સરકારે લોકોને અપીલ કરી છે કે ઓછા પાણીએ નાહવામાં આવે. હકીકતમાં પાણી ગરમ કરવા માટે જે ઊર્જાનો ઉપયોગ કરવામાં આવે છે તેની આયાત પશ્ચિમ એશિયાના દેશોમાંથી જ કરવામાં આવે છે.

3-થાઈલેન્ડની સરકારે કર્મચારીઓને અપીલ કરી છે કે હાફ શર્ટ કે ટીશર્ટ પહેરીને ઓફિસે આવે. વધુમાં કચેરીઓને નિર્દેશ આપ્યો છે કે એસીનો ઉપયોગ ઓછો કરવામાં આવે. ઊર્જા બચાવવા માટે આવો નિર્ણય લેવામાં આવ્યો છે.

4-ફિલિપિન્સે ઊર્જા બચાવવા માટે એક્સેલેટરનો પ્રયોગ ઓછો કરવાની સલાહ આપી છે. સરકારી કર્મચારીઓને એક્સેલેટરનો ઓછામાં ઓછો ઉપયોગ કરવા કહેવામાં આવ્યું છે. ઈજિપ્તમાં તો શોપિંગના દિવસો જ ઘટાડી દેવામાં આવ્યા છે.

5-બાંગલાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ  કપડાનો કારોબાર માનવામાં આવે છે. હવે એવી સ્થિતિ બની છે કે માલ બનીને તૈયાર છે પણ એરપોર્ટમાં પડયો છે કારણ કે મોટાપાયે ફલાઈટ્સ કેન્સલ થઈ રહી છે.

6-કેન્સરની દવાઓની સપ્લાય ઉપર પણ સીધી અસર જોવા મળી રહી છે કારણ કે દુબઈ અને દોહા જેવા શહેરોમાં કાર્ગો હબ બંધ કરી દેવામાં આવ્યા છે.

7-પાર્ટી બલુન્સની દુનિયાભરમાં કમી થઈ શકે છે. દુનિયાના 33 ટકા હિલીયમ ગેસનું ઉત્પાદન કતરમાં કરવામાં આવે છે. હવે તેની કમી આવતા જ ગેસ ભરીને બનતા બલૂન્સ પણ ઓછા બની રહ્યા છે.

8-સાઉદી અને બહરીને ફોર્મ્યૂલા વન રેસને હુમલાના ડરથી સ્થગિત કરી દીધી છે. આ ઉપરાંત શકીરા અને ક્રિસ્ટીના જેવી પોપ સ્ટાર્સના શો દુનિયાભરમાં સ્થગિત થયા છે.

9-અમેરિકામાં મકાનોની કિંમતમાં વધારો થયો છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થવાના કારણે મોંઘવારી વધી રહી છે અને હજી પણ વૃદ્ધિ થવાની આશંકા છે.

10-દુનિયામાં ખાંડની કિંમત વધી શકે છે કારણ કે સૌથી વધારે ઉત્પાદન કરતા બ્રાઝીલમાં બાયોફ્યુલ તૈયાર કરવાની દિશામાં વધારે કામ થઈ રહ્યું છે. વર્તમાન સમયે બ્રાઝીલને ચિંતા છે કે એનર્જી સંકટથી કેવી રીતે બચી શકાય.

11-સોનાને સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવતું હતું પણ હવે તેમાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. આ દરમિયાન શ્રીલંકામાં સ્થિતિની સંવેદનશીલતાને ધ્યાને રાખીને બુધવારે પણ રજા ઘોષિત કરવામાં આવી છે. જ્યારે લાઓસમાં ત્રણ દિવસની શાળા નીતિ શરૂ થઈ છે.

Panchang

dd