નવી દિલ્હી, તા.30 : ઈરાન
અને અમેરિકાના વચ્ચેના સંઘર્ષને કારણે ભારતની ઓઈલ અને ગેસ આયાત મુશ્કેલીઓનો સામનો
કરી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી ગ્લોબલ સપ્લાય ચેઈન ખોરવાઈ છે. તેથી ઓઈલ
અને ગેસ સંકટને ઉકેલવા માટે સરકારે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક નિયમોમાં સુધારો
કર્યો છે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના દરોમાં ફેરફાર અને
બાકિંગ સમયમર્યાદામાં ફેરફારથી લઈને પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટીમાં ઘટાડો
અને દાયકાઓથી મોટાભાગે ગાયબ થયેલ કેરોસીન પરત લાવવાનો પણ સમાવેશ થાય છે. આ યુદ્ધ
સમયની કટોકટી વચ્ચે ભારતમાં ઓઈલ અને ગેસ સંબંધિત અસંખ્ય નિયમોમાં સુધારો કરવામાં
આવ્યો છે. હવે બીજો એક મોટો સુધારો સામે આવ્યો છે. હવે પેટ્રોલ પંપ પર ન્યઁ્
સિલિન્ડર પણ મળશે. રવિવારે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો કે રાશનની દુકાનો ઉપરાંત
પેટ્રોલ પંપ પર કેરોસીન પણ મળશે. રાજ્ય સંચાલિત ઓઈલ કંપનીઓને તેમના પેટ્રોલ પંપ
નેટવર્ક દ્વારા કેરોસીન વેચવાની પરવાનગી આપવામાં આવી હતી. હવે એક વધુ નિર્ણય
લેવામાં આવ્યો છે, જેમાં LPG સિલિન્ડર પેટ્રોલ પંપ પર વેચવામાં આવશે. આજ
સાંજથી નાના વાણિજ્યિક અને ઘરેલુ સિલિન્ડર ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર ખરીદી માટે
ઉપલબ્ધ થશે. ગ્રાહકો આ 5 કિલોગ્રામના સિલિન્ડર સીધા
પેટ્રોલ પંપ પરથી ખરીદી શકશે. ગેસ કટોકટી અને ગેસ એજન્સીઓની બહાર લાંબી કતારોથી
જનતાને થતી મુશ્કેલીઓને દૂર કરવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
સરકારે નાના કદના ગેસ સિલિન્ડર વેચવાની પ્રક્રિયા સરળ બનાવી છે. નવા નિયમો હેઠળ 5 કિલોગ્રામના
નાના સિલિન્ડર હવે રાજ્ય સંચાલિત ઓઈલ કંપની ઇન્ડિયન ઓઇલ દ્વારા સંચાલિત પેટ્રોલ
પંપ પર મળશે. પેટ્રોલ પંપ માલિકો હવે ઘરેલુ અને વ્યાપારી બંને 5 કિલોગ્રામના
સિલિન્ડર વેચવા માટે અધિકૃત છે. જો કે,
જ્યારે ઇન્ડિયન ઓઇલે સત્તાવાર રીતે આ સુવિધાની જાહેરાત કરી છે,
ત્યારે સિલિન્ડર હજુ સુધી તેમના પેટ્રોલ પંપ પર ભૌતિક રીતે ઉપલબ્ધ
નથી. પેટ્રોલ પંપના કર્મચારીઓના જણાવ્યા મુજબ, આ સિલિન્ડરો
આજે સાંજથી પંપ પર મળવાની શક્યતા છે. પેટ્રોલ પંપ પર ઉપલબ્ધ 5 કિલોગ્રામના
સિલિન્ડરની કિંમતો અલગ અલગ. જો તમે હાલના કનેક્શન વિના સીધા સિલિન્ડર ખરીદવા માંગતા
હો, તો તમારે
રૂ.1,476 ચૂકવવા પડશે. જો તમે નાના સિલિન્ડરને
રિપ્લેસ કરીને નવો સિલેન્ડર લેવા માંગતા હો તો રૂ.976 ચુકવવા પડશે. જો તમારે ફક્ત
રિફિલ કરાવો છે, તો કિંમત રૂ.586 હશે.