અમદાવાદ, તા. 19 : આઈપીએલમાં શનિવારે ગુજરાતનો
સામનો દિલ્હી સામે થયો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દિલ્હી
કેપિટલ્સને સાત વિકેટે હારનો સામનો કરવો પડયો હતો. મુકાબલામાં ગુજરાતને જીત માટે 204 રનનું લક્ષ્ય મળ્યું હતું.
જેને 19.2 ઓવરમાં જ મેળવી લીધું હતું.
ગુજરાત તરફથી જોસ બટલરે સૌથી વધારે અણનમ 97 રન કર્યા હતા. જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ ચાર વિકેટ લીધી હતી.
વર્તમાન આઈપીએલમાં દિલ્હીને સાત મેચમાં બીજી હાર મળી છે.ગુજરાતે પણ સાત મેચ રમી છે
અને પાંચમી જીત રહી છે. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પહેલાં ક્રમાંકે પહોંચી
છે. ગુજરાત અને દિલ્હીના 10-10 અંક છે, પણ નેટ રનરેટ ગુજરાતની વધારે છે. લક્ષ્યનો પીછો
કરતાં ગુજરાતની શરૂઆત સારી રહી નહોતી. શુભમન ગિલ માત્ર સાત રન બનાવીને રનઆઉટ થયો હતો.
બાદમાં સાઈ સુદર્શને જોશ બટલર સાથે મળીને બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. સુદર્શન
36 રને આઉટ થયો હતો. અહીંથી બટલર અને શેરફેન રૂધરફોર્ડે 109 રનની ભાગીદારી કરીને ટીમને
જીતની નજીક પહોંચાડી હતી. રૂધરફેર્ડ 19મી ઓવરમાં આઉટ થયો હતો તેણે 43 રન કર્યા હતા. અંતિમ ઓવરમાં ગુજરાતને જીત માટે 10 રન કરવાના હતા, જેમાં પહેલા બોલે છગ્ગો અને બીજા બોલે ચોગ્ગો
ફટકારીને તેવટિયાએ જીત અપાવી હતી. બીજી તરફ જોસ બટલર સદીથી વંચિત રહ્યો હતો તેણે 54 બોલમાં 11 ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી અણનમ 97 રન કર્યા હતા. આ પહેલાં, દિલ્હીએ ટોસ હારીને પહેલાં બેટિંગ કરતા આઠ વિકેટે
203 રન કર્યા હતા. દિલ્હીની શરૂઆત
સારી રહી નહોતી અને પોવેલ બીજી જ ઓવરમાં આઉટ થયો હતો. અભિષેક 18 રન કરીને આઉટ થયો હતો. રાહુલ
ક્રીઝ ઉપર સેટ થયો હતો, પણ મોટી ઈનિંગ્સ
રમી શક્યો નહોતો. કરુણ નાયર પણ લયમાં દેખાયો નહોતો અને 31 રન કરી શક્યો હતો. બાદમાં અક્ષર
પટેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સ વચ્ચે 53 રનની ભાગીદારી
થઈ હતી. સ્ટબ 31 રન કરીને અને અક્ષર પટેલ 39 રને આઉટ થયો હતો. વિકેટોનાં
પતન વચ્ચે દિલ્હી 200નો આંકડો
પાર કરવામાં સફળ રહી હતી.