• મંગળવાર, 10 નવેમ્બર, 2026

કપાસનું ફીંડલું વળી જતાં ખેડૂતોનું દેવાળું

વિથોણ (તા. નખત્રાણા), તા. 9 : નખત્રાણા પંથકમાં ખેડૂતો માટે કપરો સમય ચાલી રહ્યો છે. આઠ માસી કપાસની ફસલનું જીંડવા પાકે તેના પહેલાં ત્રણ માસમાં ફિંડલું વળી જતાં વીણવા પહેલાં ખેડી નાખવાની ફરજ પડી છે. સરકારે જાહેર કરેલા દુષ્કાળ રાહત પેકેજમાંથી તો પાક ધિરાણનું ઋણ ભરાઇ શકે તેમ ન હોવાની લાગણી ખેડૂત વર્ગમાંથી ઊઠી છે. બીજીબાજુ આ વર્ષે મગફળીના ઉત્પાદન અને પોષક ભાવે ખેડૂતોની લાજ જાળવી છે. મગફળીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછું થયું છે. ભાવ સારા મળતાં ખેડૂતોએ રાહત અનુભવી છે. આંધ્રપ્રદેશના (અન્ના) વેપારીઓએ ગુણવત્તાર અને ઉચ્ચ કવોલિટીના સારા ભાવ આપ્યા છે. સારી ગુણવત્તાવાળી મગફળી 4000થી 4500 સુધી વેચાઇ છે તેવું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજીબાજુ આઠ માસી કપાસની ફસલનું ફિંડલું વળી જતાં ખેડ, ખાતર, પાણી, બિયારણનો ખર્ચ જોતાં ખેડૂતોને હાથના કર્યા હૈયે વાગ્યા છે. કેટલીય વાડીઓમાં કપાસ વીણવા પહેલાં ઉખેડી નાખવાની ફરજ પડી છે. કપાસના વાવેતર કરવાવાળા ખેડૂતોની આ વર્ષે દિવાળીના બદલે દિવાળું થયું છે. પંથકની ખેતીને જીવંત રાખવા આઠ માસી દિવેલા અને દાડમની ખેતીની મુખ્ય ભૂમિકા રહી છે. આ બંને પેદાશોને મોળા અને ક્ષારવાળા પાણી પણ માફક આવે છે, પરંતુ કપાસ અને મગફળીની ફસલને પ્રમાણમાં મીઠું પાણી માફક આવે છે. આ વર્ષે અનેક વાડીઓમાં દાડમના છોડમાં ફળ બેસતા નથી તેવી ખેડૂતો દ્વારા ફરિયાદી ઊઠી છે. ખેતી માટે અત્યારે અનેક સમસ્યાઓ મોઢુ ફાડીને ઊભી છે, જેમાં શ્રમિકોની તંગી, જંગલી જાનવરોનો ત્રાસ, વીજધાંધિયા, પેદાશો માટે અનુકૂળ વાતાવરણનો અભાવ આવી વિકટ પરિસ્થિતિમાં કોઇની દિવાળી તો કોઇનું દિવાળું જેવું થયું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd