• મંગળવાર, 10 નવેમ્બર, 2026

આગના 40 નાના-મોટા બનાવ : 47 જવાનનો સ્ટાફ રહ્યો ખડેપગે

ભુજ, તા. 9 : દીવાળીના રાત્રે ભુજ નગરપાલિકાનો ફાયર ફાઈટર શાખાનો સ્ટાફ ફાયર કોલ મળવાનાં કારણે આખી રાત દોડતો રહ્યો હતો. શહેર અને આસપાસના વિસ્તારમાં આગના નાના-મોટા 40 બનાવો નોંધાયા હતા. ભુજ ફાયર સ્ટેશનના કંટ્રોલ રૂમ પર દિવાળીના તહેવારને કારણે શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઝાડી-ઝાંખરા સળગવાના, ભંગારના વાડામાં તથા ગાડીઓ સળગવાના  મળીને 40 ફાયર કોલ મળ્યા હતા. ગંગેશ્વર રોડ પાસે, હમીરસર તળાવ લેકવ્યૂ પાસે, ચંગલેશ્વર પાસે, મુંદરા રોડ પર `ધ એડ્રેસ' બિલ્ડિંગ સામે અને સંઘવી હોસ્પિટલ સામે (આ તમામ સ્થળોએ ઝાડીઓમાં આગ), નાગોર રોડ પાસે ભંગારના વાડામાં, મિરજાપર ચાર રસ્તા પાસે ગાડીઓમાં આગ લાગવા જેવા બનાવો નોંધાયા હતા. આ તમામ અલગ-અલગ જગ્યાએ બનેલી આગની ઘટનાઓમાં ભુજ ફાયર વિભાગનો `47 જવાનોનો સમગ્ર ફાયર સ્ટાફ' આખી રાત ખડેપગે રહ્યો હતો. ભુજ-માધાપર માર્ગે હોટલની સામે જૂના રેલવે મથકની ખુલ્લી જમીનમાં ઊગેલી બાવળની ઝાડીમાં સોમવારે બપોરે એક વાગ્યાની આસપાસ આગ લાગ્યા પછી ધુમાડાના ગોટા નીકળતાં નગરપાલિકા અગ્નિશામક દળને જાણ કરતાં ફાયર બ્રિગેડ ટીમે પાણીનો મારો ચલાવતાં આગ કાબૂમાં આવી હતી. જો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરત તો બાજુમાં ભંગાર વાહન પણ પાર્ક કરેલાં પડયાં હતાં, તો મોટા અકસ્માતની શકયતા વ્યક્ત કરાઈ હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd