મુંદરા, તા. 9 : ગુંદાલા
ગામને જોડતા ગુંદાલા-પત્રી તથા ગુંદાલા રતાડીયા માર્ગના હાઈ-વે ક્રોસિંગ પર વધી રહેલા માર્ગ અકસ્માતોને લઈને ગ્રામજનોમાં
ચિંતા વ્યાપી છે. છેલ્લા કેટલાક સમયથી આ બંને ક્રોસિંગ પર અનેક નાના-મોટા અકસ્માતોથી
જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ માર્ગ પરથી રોજ વિદ્યાર્થીઓ,
ખેડૂતો, મજૂરો, મહિલાઓ તેમજ ભારે વાહનોની અવર-જવર રહે છે. હાઈવે પર વાહનોની વધુ ઝડપ અને
સુરક્ષિત ક્રોસિંગની સુવિધાના અભાવે અકસ્માતનું જોખમ વધી રહ્યું છે. ગુંદાલા ગ્રામ
પંચાયત તથા ગ્રામજનોએ સરકાર અને સંબંધિત તંત્રને બંને હાઈવે ક્રોસિંગ પર તાત્કાલિક
અંડરપાસ બનાવવાની માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે અંડરપાસ બનવાથી હજારો લોકોને
સુરક્ષિત અવર-જવર મળી રહેશે. ગ્રામજનોએ તંત્રને આ મુદ્દે ગંભીરતા દાખવી વહેલી તકે જરૂરી
કાર્યવાહી હાથ ધરવાની અપીલ કરી છે.