હેમિલ્ટન, તા. 9 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે
પાંચ મેચોની વન-ડે શ્રેણીનો ત્રીજો મુકાબલો મંગળવારે સેડન પાર્ક ખાતે રમાશે. કેપ્ટન
શુભમન ગિલ આ મુકાબલો જીતીને ટ્રોફી પર કબજો જમાવવા માગશે, કારણ કે આ મેચ બાદ તે આગામી બે ટેસ્ટ મેચોની
તૈયારી માટે ટેસ્ટ સ્ક્વોડમાં જોડાશે અને અંતિમ બે વન-ડેમાં શ્રેયસ ઐયર ટીમનું નેતૃત્વ
સંભાળશે. હેમિલ્ટનમાં પણ વરસાદ અને ઠંડા હવામાનને કારણે પીચ ઝડપી બોલરો માટે સ્વર્ગ
સમાન સાબિત થઈ શકે છે. પ્રથમ બે મેચમાં વિરાટ કોહલી સિવાય ગિલ અને રોહિત શર્મા સીમ
મૂવમેન્ટ સામે ખાસ પ્રભાવ પાડી શક્યા નથી. રોહિતે પ્રારંભિક મેચોમાં 0 અને 23 રન જ બનાવ્યા હોવાથી તેના ફોર્મ પર નજર રહેશે. બીજી તરફ, હેડ કોચ ગૌતમ ગંભીર અક્ષર પટેલને કે.એલ. રાહુલ
પહેલાં નંબર-5 પર મોકલવાની
વ્યૂહરચના પર પુનર્વિચાર કરી શકે છે, કારણ કે સ્વાગિંગ કન્ડિશન્સમાં રાહુલની ટેકનિક વધુ ભરોસાપાત્ર સાબિત થઈ છે.
ભારતીય પેસ એટેકમાં આકિબ નબી, ગુરનૂર બ્રાર અને અંશુલ કમ્બોજે
શાનદાર પ્રદર્શન કર્યું છે. યજમાન ન્યૂઝીલેન્ડ માટે ઈજાઓ સૌથી મોટો પડકાર બની છે. ડેવોન
કોન વે, રચિન રવીન્દ્ર અને કનકશનના કારણે બ્લેર ટિકનર બહાર થતાં
ક્રિસ્ટિયન ક્લાર્કને બોલાવાયો છે. સુકાની મિચેલ સેન્ટનર માટે ટોસની સાથોસાથ ટોપ ઓર્ડરનું
કંગાળ ફોર્મ મોટી ચિંતા છે. ટોમ લાથમ, ટિમ સેફર્ટ અને હેનરી નિકોલ્સ
જેવા સિનિયર બેટ્સમેનો રન માટે સંઘર્ષ કરી રહ્યા છે ત્યારે ભારત પાસે શ્રેણી પોતાના
નામે કરવાની આ સુવર્ણ તક છે.