• મંગળવાર, 10 નવેમ્બર, 2026

નવા વર્ષે ગુજરાતને 1500 કરોડની ભેટ

અમદાવાદ, તા. 9 (અમારા પ્રતિનિધિ તરફથી) : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સોમવારે તેમના સંસદીય મતવિસ્તાર ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આવતા અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વિકાસની વણઝાર લગાવી દીધી હતી. દિવાળીના તહેવારમાં જ અમદાવાદવાસીઓને કેન્દ્રીય મંત્રીએ રૂ. 1,500 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. રાણીપ એસ.ટી. બસ સ્ટેન્ડ સામેના ગ્રાઉન્ડમાં બપોરે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં અમિત શાહે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 30 જેટલા વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અમદાવાદમાં ઈસ્કોન-સાણંદ એલિવેટેડ કોરિડોટ ઉપરાંત, નાગરિકો માટે આરોગ્ય કેન્દ્ર અને ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે પાયાના આવાસનો પણ સમાવેશ થાય છે. એસ. જી. હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસેના ઓવરબ્રિજ અને આગળ જતાં નર્મદા કેનાલ પર તૈયાર કરાયેલા નવા વિશાળ બ્રિજનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરાયું. નર્મદા કેનાલ પાસે સાંકડા રસ્તાને લીધે લાંબા સમયથી જે બોટલનેક ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી, તેમાંથી વાહનચાલકોને કાયમી મુક્તિ મળી છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે-સાથે કેન્દ્રીય ગૃહમંત્રીએ નવા વર્ષ અને દીવાળી પર્વે હજારો પરિવારોને પોતાના પાકા મકાનની ચાવી અર્પણ કરી મોટી ભેટ આપી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઈતિહાસમાં પ્રથમવાર એક જ દિવસે એકસાથે 7 હજાર આવાસો માટે કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો યોજાયો હતો. આર્થિક રીતે નબળા વર્ગના (ઊઠજ) આવાસ માટે તંત્રને રેકોર્ડબ્રેક 97 હજાર જેટલી અરજીઓ મળી હતી. આ યોજના હેઠળ શહેરના નરોડા, નિકોલ, ઓઢવ સહિત કુલ 11 અલગ-અલગ વિસ્તારોમાં આધુનિક સુવિધાસભર બહુમાળી આવાસોનું નિર્માણ કરાયું છે. શહેરના સૌથી મોટા સ્લમ પોકેટ ગણાતા રામાપીરના ટેકરા વિસ્તારના ઇન-સિટુ સ્લમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત 1250 સુવિધાસજ્જ આવાસોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાચા ઝૂંપડા અને ગંદકી વચ્ચે રહેતા પરિવારોને લિફ્ટ, બગીચા, પેવર બ્લોક અને ચોવીસ કલાક પાણીની સુવિધા સાથેના પાકા ફ્લેટ સોંપાયા હતા. અમિતભાઇ શાહે લાભાર્થી પરિવારોને રૂબરૂ મળી તેમના સપનાના ઘરની ચાવી સોંપતા લોકો ભાવુક બન્યા હતા. અન્ય મહત્વના પ્રોજેક્ટ્સમાં અમદાવાદના જોધપુર વિસ્તારમાં અત્યાધુનિક 'જોધપુર નોલેજ હબ' અને ગોતા વિસ્તારમાં લોકોની આરોગ્ય સુખાકારી માટે 'અર્બન હેલ્થ સેન્ટર'નું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બંને પ્રોજેક્ટ સ્થાનિક નાગરિકો, ખાસ કરીને યુવાનો અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd