લખનઉ, તા. 11 : આઇપીએલ પોઇન્ટ ટેબલ પરની તળિયાની ટીમ દિલ્હી કેપિટલ્સ શુક્રવારની મેચમાં જ્યારે મેદાનમાં ઉતરશે ત્યારે તેની સામે ફોર્મમાં ચાલી રહેલ લખનઉ સુપર જાયન્ટસનું વિઘ્ન પાર કરવાનું દબાણ રહેશે કારણ કે ઇકાના સ્ટેડિયમ એલએસજીનું `ગૃહ સ્ટેડિયમ' છે. અહીં તેના બોલર્સ-બેટર્સ ખુલીને રમે છે. ખાસ કરીને દિલ્હીના બોલરોએ લખનઉની રન ગતિ પર અંકુશ મુકવા કમર કસવી પડશે. એલએસજી પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને છે. પાછલા કેટલાક મેચથી આ ટીમ તમામ ક્ષેત્રમાં સારો દેખાવ કરી રહી છે. જો કે 1પ0થી વધુ કિમીની ગતિએ બોલિંગ કરતો તેનો નવો ઝડપી બોલર મયંક યાદવ આ મેચ ગુમાવે તેની સંભાવના છે. જો કે, તેની અનુપસ્થિતિમાં બીજા એક યુવા બોલર યશ ઠાકુરે જવાબદારી સંભાળીને પ વિકેટ લીધી હતી. યશ ઉપરાંત કુણાલ પંડયા, રવિ બિશ્નોઇ અને નવીન ઉલ હક પણ સારી બોલિંગ કરી રહ્યા છે. લખનઉ પાસે ડિ'કોક અને કપ્તાન કેએલ રાહુલના રૂપમાં ઉમદા ઓપનિંગ જોડી છે. ડેથ ઓવર્સમાં નિકોલસ પૂરન શાનદાર ફોર્મમાં રમી રહ્યો છે. જો કે લખનઉની ચિંતા ટેસ્ટ સ્ટાર દેવદત્ત પડીક્કલનું ફોર્મ છે. બીજી તરફ દિલ્હી કેપિટલ્સની મુખ્ય ચિંતા ઝડપી બોલિંગ આક્રમણ છે. જેની ધાર જોવા મળતી નથી. ડેથ ઓવર્સમાં એનરિક નોર્ખિયા સતત ધોવાઇ રહ્યો છે. લખનઉ સામેની મેચમાં ખલીલ અહેમદ અને જૂનાજોગી ઇશાંત શર્માએ જવાબદારી લેવી પડશે.