નવી દિલ્હી તા. 17 : બાંગલાદેશ ક્રિકેટમાં ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. બાંગલાદેશ
ક્રિકેટ બોર્ડ (બીસીબી)માં સરકારની વારંવારની દખલગીરીને લીધે આઇસીસીના પ્રતિબંધની નોબત
ઉભી થઇ છે. ખુદ બીસીબીએ સરકારને ચેતવણી આપી છે કે વારંવારના હસ્તક્ષેપને લીધે ઇન્ટરનેશનલ
લેવલે ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવશે. બાંગલાદેશ સરકારના ખેલ મંત્રાલયે બીસીબી ચૂંટણીની
કથિત ગરબડ માટે પાંચ સભ્યની તપાસ સમિતિ બનાવી છે. જે બારામાં બીસીબીના પદાધિકારીઓ કહે
છે કે કોઇ ક્રિકેટ બોર્ડમાં સરકારી દખલ આઇસીસીના નિયમનું ઉલ્લંઘન છે. આથી પ્રતિબંધ
મુકી શકાય છે. અત્રે એ ઉલ્લેખનિય રહેશે કે આઇસીસીએ અગાઉ સરકારી દખલગીરીને લીધે શ્રીલંકા
અને ઝિમ્બાબ્વે ક્રિકેટ બોર્ડને સસ્પેન્ડ કર્યાં હતા. પૂર્વ ખેલાડી તમિમ ઇકબાલે બીસીબીના
અધ્યક્ષ અમીનુલ ઇસ્લામ પર ચૂંટણી પ્રક્રિયામાં ગરબડી કર્યાનો આરોપ મુકયો હતો. આ પછીથી
ખેલ મંત્રાલયે તપાસ સમિતિ બનાવી હતી.