• શનિવાર, 21 નવેમ્બર, 2026

મહેનત, હક, ઈમાનદારીથી મેળવેલી સંપત્તિ જ જીવનમાં શાંતિ પ્રદાન કરે

કાઠડા (તા. માંડવી), તા. 20 : તાલુકાની દૈવીપીઠ રાજડા ટેકરી ખાતે મા ભગવતીની નિશ્રામાં, મિસરીનાથજી બાપુના અખંડ ધૂણાની છત્રછાયામાં અખિલ કચ્છ રબારી સમાજ દ્વારા અલખધણીનાં જ્યોત દર્શન, 25મી કોરીપાઠ, રબારી સમાજ અને સેવકોનું સ્નેહમિલન યોજાયું હતું. પ્રારંભે અલખધણીનાં જ્યોત દર્શન બાદ ધર્મસભામાં રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજીએ આશીર્વચન પાઠવતાં જણાવ્યું હતું કે, જીવનમાં શાંતિ, સ્થિરતા અને સાચી જીવનશૈલી કેળવવા ભક્તિરૂપી ટયુશન ક્લાસની આવશ્યકતા છે. બિબ્બરના જગજીવનદાસજીએ કહ્યું હતું કે, મહેનત, હક અને ઈમાનદારીથી મેળવેલી સંપત્તિ જ જીવનમાં સાચી શાંતિ પ્રદાન કરે છે. હિંગરિયા હરી સાહેબ આશ્રમના કલ્યાણદાસજી, બાલકનાથજી, હરીસંગજી દાદા, વીરનાથ, કાનાનાથજી, રાજડા ટેકરીના માણેકનાથજી, બાળસંત પ્રેમનાથ ઉપસ્થિત રહ્યા હતા. વિરાણી રામમંદિરના પૂજારી, ભોપા જેસા લખમીર, આસા રામા સહિતના ભોપાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આરાધીવાણીના આરાધકો ભગત રામાભાઈ, હભુભાઈ, હિતેશભાઈ, વંકાભાઈ, હીરાભાઈ સહિતના કલાકારોએ મોડી રાત સુધી આરાધીવાણીની પ્રસ્તુતિ કરી હતી. કાર્યક્રમમાં અખિલ કચ્છ કાશી રબારી સમાજના પ્રમુખ આશાભાઈ રબારી, વિવિધ તાલુકાના પ્રમુખો અને ઉપપ્રમુખો, બટુકાસિંહ જાડેજા સહિત ચારણ, પટેલ, ક્ષત્રિય, ભાનુશાલી સહિત વિવિધ સમાજના અગ્રણીઓ અને સેવકો મોટી સંખ્યામાં જોડાયા હતા. સંચાલન વંકાભાઈ રબારી, થારૂભાઈ ગઢવીએ કર્યું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd