નખત્રાણા, તા. 20 : અહીંના નિષ્કલંકી ધામમાં કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ દ્વારા કુળદેવી ઉમિયા માતાજી, ભગવાન નિષ્કલંકીનારાયણ મંદિરનો પાટોત્સવ, વાર્ષિક સ્નેહમિલન, સામાન્ય સભા, સરસ્વતી સન્માન તેમજ સમૂહલગ્નમાં જોડાયેલી 13 કન્યાને સંસ્થા દ્વારા સુવર્ણદાન, સંતો, અગ્રણીઓના આશીર્વચન, પ્રવચન, ધાર્મિક કાર્યક્રમો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સમયને સોના જેવો કિંમતી જણાવી સમયને સાચવીને નીતિ-ધર્મમય જીવન જીવવા શીખ અપાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી મહંત શાંતિપ્રિયદાસજી મહારાજે જે વ્યક્તિ ધર્મના સંસ્કારોને આધિન રહી જીવન નથી જીવતી તે વ્યક્તિ ભગવાનને પ્રિય નથી તેમ જણાવતાં સેવા, ભક્તિમય પરમાર્થી બની જીવન જીવવા શીખ આપી હતી તથા નિષ્કલંકી નારાયણ તીર્થધામનો વિકાસ, દાતાઓ તથા હોદ્દેદારો, પ્રમુખો, ટ્રસ્ટીઓને આભારી છે, તેવું જણાવી નૂતનવર્ષ સૌને સુખદાયી રહે એવા આશીર્વચન આપ્યા હતા. સમયને સોના જેવો કિંમતી ગણી ચાલનારી વ્યક્તિ શ્રેષ્ઠ છે તેવું કાદિયા અલખધામના મહંત દિવ્યાનંદજી મહારાજે જણાવી નીતિ-ધર્મમય જીવન જીવવા શીખ આપી હતી. દરશડી-કુંવરમા આશ્રમના સંત રતીબાપાએ દરેકને સંત-શાત્રોના વચને ચાલવા શીખ આપી હતી. આ તકે ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પાટીદાર સતપંથ સનાતન સમાજ નીતિધર્મના સિદ્ધાંતોને અનુસરે સામાજિક-ધાર્મિક કાર્યક્રમો યોજે છે તેમ આયોજનને બિરદાવતાં પાટીદાર સમાજને વિશ્વાસની આગવી પ્રતિભા ધરાવાનારો આદર્શ સમાજ ગણાવ્યો હતો. નર્મદાના નીર સિંચાઈ માટે નજીકના સમયમાં પહોંચતાં થઈ જશે તેવું જણાવ્યું હતું. ક. જિલ્લા ભાજપાના મંત્રી રાજેશભાઈ પલણે સમસ્ત સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. સંસ્થાના પ્રમુખ શિવજીભાઈ ધોળુએ કહ્યું હતું કે, સંસ્કાર વગર લક્ષ્મી ટકતી નથી, માટે સંસ્કારો મેળવવા સંત-શાત્રોના આદર્શોને અનુસરવા શીખ આપી હતી. બપોર પછી દ્વિતીય સત્રમાં ધો. 10થી 12ના 107 વિદ્યાર્થી રમત-ગમત ક્ષેત્રે 11 યુવક-યુવતીઓને પારિતોષિક, ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત સી.એ., એમ.એ. એમ.કોમ.ના 10, બી.એ.,
બી.કોમ., બી.સી.એ.ના 27, બી. ફાર્મસી 3, ડિપ્લોમા 3, મહેસૂલ તલાટી 1 સહિત સમાજના 162 તેજસ્વી છાત્રને સન્માનિત કરાયા હતા. ક.ક.પા. સતપંથ સનાતન સમાજ વિકાસ ટ્રસ્ટ આયોજિત કચ્છ સનાતન યુવા સંઘ સંચાલિત સરસ્વતી સન્માન કાર્યક્રમમાં નિષ્કલંકી નારાયણ તીર્થધામના ચેરમેન જયંતીભાઈ લીંબાણીએ ઉતરોતર પ્રગતિની કામના સાથે નૂતનવર્ષની શુભેચ્છા આપી હતી. મહામંત્રી કાંતિભાઈ છાભૈયાએ સમાંતર પ્રતિભાવ આપ્યા હતા. મહાપ્રસાદના મુખ્ય દાતા રામજીભાઈ કેશરાણી, સરસ્વતી સન્માનના દાતા રવજીભાઈ શાંખલાનું સમાજ વતી સન્માન કરાયું હતું. સંસ્થાના મહામંત્રી અંબાલાલ માવાણીએ સંચાલન-આભારવિધિ કરી હતી.