અત્યાધુનિક ઉપકરણો, કૃત્રિમ હાથપગ, વ્હીલચેર સહિતના નિ:શુલ્ક અર્પણ કરાશે,
ભુજ મંદિરના સંતોની વિશેષ પ્રેરણા
કેરા (તા. ભુજ), તા.13 : જ્યાં
શિક્ષણનું પ્રમાણ સાવ જ અલ્પ હતું તેવા વાગડ વિસ્તારને કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર સ્તરે
લઈ જનાર રાપર સ્વામિનારાયણ ગુરુકુળના રજત જયંતી મહોત્સવે સમગ્ર કચ્છના દિવ્યાંગજનો
માટે ઐતિહાસિક સેવા થનાર છે તે માટે 96386 74629 નંબર
પર નામ નોંધાવવા સંસ્થાએ અનુરોધ કર્યો હતો. ભુજ સ્વામિનારાયણ મંદિરના મહંત પુરાણી ધર્મનંદનદાસજી
સ્વામી,
ઉપમહંત પુરાણી ભગવદ્જીવન સ્વામી, કોઠારી પાર્ષદવર્ય
જાદવજી ભગત, વહીવટી કોઠારી દેવપ્રકાશદાસજી સ્વામી, રાપર ગુરુકુળના સ્થાપક વરિષ્ઠ સંત પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, શાત્રી વિજ્ઞાનસ્વરૂપ સ્વામી, શાત્રી અક્ષરમુનિદાસજી
સ્વામી આદિ સંતોની પ્રેરણા અને પુરુષાર્થથી મહાવીર સેવા સદન કોલકાતા, પરમાર્થ નિકેતન ઋષિકેષના સહયોગે કચ્છ જિલ્લાનો સૌથી મોટો દિવ્યાંગ સાધન સેવા
યજ્ઞ યોજાનાર છે. કાર્યના સંકલનકર્તા યુવાવક્તા શાત્રી અક્ષરમુનિદાસજી સ્વામીએ કચ્છમિત્રને
વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.18-19 નવેમ્બરના
ગાંધીધામ સ્વામિનારાયણ ગુરુકુળ, 20-21ના ત્રણ ટુકર હાઈસ્કૂલ માંડવી, 22 અને
23 સ્વામનારાયણ
વિદ્યાર્થી ભવન- ભુજ, 24-25 નખત્રાણા દેવાશિષ હોસ્પિટલ, 18-19 ડિસેમ્બર-ભચાઉ
સ્વામિનારાયણ મંદિર અને 20થી 24 ડિસે. સુધી રાપર સ્વામિનારાયણ
ગુરુકુળ ખાતે કેમ્પ યોજાશે. તે માટે દિવ્યાંગતાનું સર્ટિફિકેટ તથા આધારકાર્ડ સાથે લાવવા
આયોજક સંસ્થાએ જણાવ્યું હતું. વિતરિત થનાર સાધનોમાં કૃત્રિમ હાથ-પગ, કેલિપર્સ, મોલ્ડેડ શૂઝ, વ્હીલચેર,
ટ્રાઈસિકલ, વોકર, વોકિંગ
સ્ટીક સહિતનાનો સમાવેશ થાય છે. આપણું વાગડ સૌથી આગળના સંકલ્પ સાથે સ્વયં શ્રીજી મહારાજની
આજ્ઞાબળે સંતોએ દિવ્યાંગોને મદદરૂપ થવા આ મહાઅભિયાન શરૂ કર્યું છે. રાપર સ્વામિનારાયણ
ગુરુકુળે 25 વર્ષમાં 25 મેડિકલ કેમ્પ, 6000 વિદ્યાર્થીઓથી
વધુના જીવનને ઘડયું છે અને સંસ્કારયુક્ત કેળવણીની મહાજ્યોત પ્રજ્વલિત કરી છે જેમાં
ભુજ મંદિરનું સુજ્ઞ ટ્રસ્ટી મંડળ અગ્ર રહ્યું છે. રજત જયંતી મહોત્સવે 6/12ના
રાપર ખાતે મેગા મેડિકલ કેમ્પ યોજાશે જ્યારે નેત્ર સેવા યજ્ઞ મોટાપાયે ચાલી રહ્યો છે
જેમાં હજારો સર્જરી થઈ ચૂકી છે.