લાભપાંચમના સંતવાણી સહિતના વિશેષ કાર્યક્રમોનું
આયોજન
અંજાર, તા. 13 : તાલુકાના રતનાલ ખાતે પૂર્વ રાજ્યમંત્રી
દ્વારા આગામી તા. 14મીએ સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
છે. આ અંતર્ગત વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુઅલી જોડાશે. પૂર્વ રાજ્યમંત્રી
વાસણભાઈ આહીર દ્વારા વર્ષ 1995થી સ્નેહ અને સોહાર્દની ભાવનાને
કેન્દ્રમાં રાખીને શરૂ કરવામાં આવેલી સ્નેહમિલનની પરંપરા વર્ષોથી સતત જળવાઈ રહી છે.
આ પરંપરાને આગળ ધપાવતાં આ વર્ષે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે કચ્છ સહિત રાજ્ય
અને દેશના વિવિધ વિસ્તારોમાંથી રાજકીય, સામાજિક અને
જાહેર જીવન સાથે સંકળાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહેવાના છે. ઉપરાંત પ્રાદેશિક અને રાષ્ટ્રીય
કક્ષાના વિવિધ રાજકીય આગેવાનો, સંતો-મહંતો તેમજ દેશ-વિદેશમાંથી
મહેમાનોની ઉપસ્થિતિ રહેશે. સ્નેહમિલનના આયોજનને લઈને રતનાલ સ્થિત ગુરુકૃપા ફાર્મ ખાતે
છેલ્લા કેટલાક દિવસોથી તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. મહેમાનોના સ્વાગત,
બેઠક વ્યવસ્થા, ભોજન વ્યવસ્થા તથા સમગ્ર કાર્યક્રમના
સુચારુ આયોજન માટે વિવિધ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મોટી સંખ્યામાં મહેમાનો
ઉપસ્થિત રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને આયોજનની તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં
આવી રહી છે. આ કાર્યક્રમ અનુસંધાને અંજાર ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું
હતું. પૂર્વ રાજ્યમંત્રી શ્રી આહીરે સ્નેહમિલનના આયોજન, તેની
વર્ષોથી ચાલી આવતી પરંપરા તથા કાર્યક્રમની રૂપરેખા અંગે માહિતી આપી હતી. આ પત્રકાર
પરિષદમાં અંજારના ધારાશાસ્ત્રી સંજયભાઈ દાવડા, ગોપાલભાઈ માતા,
મહાદેવભાઇ આહીર જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, વર્ષ
1995થી
શરૂ થયેલી આ સ્નેહમિલન પરંપરા આજે પણ સામાજિક સંવાદિતા, પરસ્પર સ્નેહ અને આત્મીયતાના ભાવ સાથે આગળ વધી રહી છે. લાભપાંચમના અવસરે યોજાનારા
આ સમારોહમાં સંતવાણીના આધ્યાત્મિક માહોલ સાથે કચ્છી ભોજનની પરંપરાગત મહેમાનગતિનો સંગમ
જોવા મળશે તેવું તેમણે ઉમેર્યું હતું.