• રવિવાર, 08 નવેમ્બર, 2026

તહેવારોમાં પ્રવાસીઓને આવકારવા માંડવી બીચ બન્યો સજ્જ

રમેશ ગઢવી દ્વારા : કાઠડા (તા. માંડવી), તા. 7 : દેશ-વિદેશમાં પ્રવાસન સ્થળ તરીકે નામના મેળવનાર માંડવીના રમણીય દરિયાકાંઠે દિવાળીથી નવા વર્ષના તહેવારો દરમિયાન હજારો પ્રવાસીઓ ઊમટી પડવાની શક્યતા છે. પ્રવાસીઓના સ્વાગત માટે સ્થાનિક ધંધાર્થીઓએ પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે બીજી તરફ પ્રવાસીઓની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને હજુ કેટલાંક જરૂરી પગલાં ભરવાની આવશ્યકતા જણાઈ રહી છે તેવું અહીંના જાગૃત નાગરિકોનું કહેવું છે. પ્રવાસીઓનાં વાહનોનાં પાર્કિંગની સમસ્યા હળવી કરવા માટે દરિયાકાંઠે બાવળની ઝાડીઓ દૂર કરીને વિશાળ જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ વ્યવસ્થાથી પ્રવાસીઓને પાર્કિંગ માટે રાહત મળી શકે તેમ છે. જો કે, ખુલ્લી કરાયેલી જગ્યાનું યોગ્ય સમતલીકરણ કરવામાં આવે અને રેતાળ જમીનમાં વાહનોનાં પૈડાં ફસાઈ ન જાય તે માટે જરૂરી માટી પાથરીને વ્યવસ્થિત પાર્કિંગની સુવિધા ઊભી કરવામાં આવે તો પ્રવાસીઓ માટે વધુ અનુકૂળતા સર્જાઈ શકે તેમ છે. - સંકલનનો અભાવ : પાર્કિંગ માટેની જગ્યા ખુલ્લી કરવાની કામગીરી કોના દ્વારા કરવામાં આવી છે અને તેની વ્યવસ્થા કયા વિભાગની જવાબદારી હેઠળ આવે છે તે અંગે સ્પષ્ટતા સામે આવી નથી. આ મામલે નગર સેવા સદનનો સંપર્ક કરવામાં આવતાં ત્યાંથી આ કામગીરી અંગે કોઈ માહિતી ન હોવાનું જણાવી અજાણતા દર્શાવવામાં આવી હતી અને જવાબદારી પ્રવાસન વિભાગ તરફ નિર્દેશિત કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં પ્રવાસીઓની સુવિધા સાથે સંકળાયેલી કામગીરી અંગે સંબંધિત વિભાગો વચ્ચે સંકલન અને સ્પષ્ટ જવાબદારી નક્કી થવી જરૂરી છે તેવું નગરજનોએ જણાવ્યું હતું. - બાવળની ઝાડીઓ દૂર કરો : અનંતદ્વારથી દરિયાકાંઠા તરફ જતા માર્ગની બંને બાજુ બાવળની ઝાડીઓ ઊગી નીકળી છે. તહેવારો દરમિયાન વાહનોની અવરજવર વધવાની હોવાથી આ ઝાડીઓનું યોગ્ય કાટિંગ કરાવવામાં આવે તો રસ્તા પર અવરજવર વધુ સરળ બની શકે તેમ છે. પ્રવાસીઓની સુરક્ષા અને વાહનચાલકોની સુવિધાને ધ્યાનમાં રાખીને માર્ગની બંને બાજુ સફાઈ કરાવવા માંગ ઊઠી હતી. - ટ્રાફિકનો ઉકેલ શક્ય : વેકેશનના દિવસો દરમિયાન દરિયાકાંઠે પહોંચવા માટે વાહનોની લાંબી કતારો સર્જાવાની શક્યતા છે. આવી સ્થિતિમાં દરિયાકાંઠેથી પરત ફરતાં વાહનો માટે ધવલનગર-4 તરફથી હંગામી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવે તો મુખ્ય માર્ગ પરનું ટ્રાફિકનું ભારણ ઘટાડી શકાય તેમ છે. જો કે, આ માટે માર્ગની વ્યવહારુ શક્યતા, જમીનની સ્થિતિ અને સુરક્ષાનાં પાસાં ચકાસીને સંબંધિત તંત્ર દ્વારા આયોજન કરવું જરૂરી છે તેવી ઇચ્છા શહેરીજનોએ વ્યક્ત કરી હતી. - પ્રવાસનને મળશે વેગ : માંડવીનું દરિયાકાંઠાનું પ્રવાસન સ્થાનિક વેપારીઓ, નાના ધંધાર્થીઓ અને રોજગારી સાથે સંકળાયેલા લોકો માટે આવકનું મહત્ત્વનું માધ્યમ છે. તહેવારો દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય ત્યારે પાર્કિંગ, માર્ગની સફાઈ અને ટ્રાફિકનું સુચારુ સંચાલન પ્રવાસીઓના અનુભવને વધુ સારો બનાવી શકે છે. આ માટે ટૂરિઝમ વિભાગ, પોલીસ અને નગરપાલિકા વચ્ચે સંકલન સાધીને સમયસર જરૂરી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે તો પ્રવાસીઓને પડતી હાલાકી ઘટવાની સાથે સ્થાનિક વેપાર-ધંધાને પણ પ્રોત્સાહન મળી શકે તેમ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd