• મંગળવાર, 03 નવેમ્બર, 2026

નલિયામાં પારો ગગડી 16.8 ડિગ્રીએ પહોંચ્યો

ભુજ, તા. 2 : કચ્છમાં હવે ધીમા ડગલે શિયાળો પગરણ કરી રહ્યો હોય તેમ લઘુતમ તાપમાનમાં સમયાંતરે  ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે, મહત્તમ તાપમાન ઊંચું નોંધાતાં વાતાવરણમાં વિષમતા જળવાયેલી રહી છે. કચ્છી કાશ્મીરની ઉપમા મેળવનાર નલિયામાં લઘુતમ પારો ગગડીને 16.8 ડિગ્રીએ પહોંચતાં વહેલી સવારે ઠંડીની ચમક સાથે ખુશનુમા વાતાવરણનો અનુભવ થયો હતો. નલિયામાં વર્તમાન સિઝનમાં લઘુતમ પારો આટલા નીચા આંકે જતાં  દિવાળી પર્વ આસપાસ જ ઠંડીની ચમક વધુ અસરદાર બને તેવી સંભાવના હવામાન નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. નલિયામાં દિવસનું તાપમાન 36.6 ડિગ્રી નોંધાયું જે કચ્છમાં સૌથી વધુ હતું. અંજાર, ગાંધીધામને આવરી લેતા કંડલા (એ.)માં 35.4 ડિગ્રી મહત્તમ સામે 19.4 ડિગ્રી, જ્યારે જિલ્લા મથક ભુજમાં 36.5 ડિગ્રી મહત્તમ સામે 21.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. આમ જિલ્લામાં દિવસ-રાત્રિના તાપમાનમાં 12થી 20 ડિગ્રીનો મોટો તફાવત જોવા મળ્યો હતો. હવામાન વિભાગે આગામી સપ્તાહ દરમ્યાન આ પ્રકારનું વાતાવરણ જળવાયેલું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાતોના મતે આ માસના અંતિમ સપ્તાહ આસપાસ ઠંડીના વિધિવત પગરણ થઇ જાય તેવું હાલનું હવામાન જોવા મળી રહ્યું છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd