• મંગળવાર, 03 નવેમ્બર, 2026

હોકીમાં ભારતનો દબદબો : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં

જલંધર, તા. 2 : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મેન્સ હોકી ટીમે પોતાનું અજેય અભિયાન જાળવી રાખતાં લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં દક્ષિણ કોરિયાને 8-0થી કચડી નાખી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળ ભારતે પાંચમાંથી પાંચેય મેચ જીતીને ક્લીન સ્વીપ સાથે સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ સમગ્ર લીગ સ્ટેજમાં ભારતે 34 ગોલ ફટકાર્યા છે અને માત્ર પાંચ ગોલ ખાધા છે. મેચમાં ભારતીય આક્રમણ સામે કોરિયાનો ડિફેન્સ લાચાર દેખાતો હતો. ભારત તરફથી દિલપ્રીત સિંહે બે ગોલ કર્યા હતા, જ્યારે જુગરાજ સિંહ, સુકાની હરમનપ્રીત સિંહ, શિલાનંદ લાકરા, સુખજીત સિંહ, સંજય રાણા અને અંગદ બીર સિંહે એક-એક ગોલ નોંધાવ્યા હતા. પ્રથમ ક્વાર્ટરમાં જ ભારતે દિલપ્રીત, જુગરાજ અને હરમનપ્રીતના ગોલની મદદથી 3-0ની મજબૂત લીડ મેળવી લીધી હતી. ત્યારબાદ ત્રીજા ક્વાર્ટરમાં ભારતીય ટીમે ઝંઝાવાતી રમત બતાવી ઉપરાઉપરી ગોલ કર્યા હતા. મેચની છેલ્લી ક્ષણોમાં કોરિયાને પેનલ્ટી કોર્નર મળ્યા હોવા છતાં ભારતીય ડિફેન્સે મક્કમ રહીને વિરોધી ટીમને એકપણ ગોલ કરવા દીધો નહોતો. બુધવારે સાંજે રમાનારી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો ફરી એકવાર દક્ષિણ કોરિયા સામે જ થશે, જ્યારે બીજી સેમિફાઇનલમાં મલેશિયા અને જાપાન આમને-સામને ટકરાશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd