• મંગળવાર, 03 નવેમ્બર, 2026

શિણાય નજીક ત્રેવડા અકસ્માતમાં યુવાનનું મોત

ગાંધીધામ, તા. 2 : અહીંના શિણાય નજીક રોયલ આર્કેડ સોસાયટી પાસે આગળ જતી બાઈક પરના દંપતીને હડફેટે લઈ ટ્રેઈલરે સામેથી આવતી બાઈકને હડફેટમાં લેતાં આ બાઈકના ચાલક મુસ્તાક અનવર ચબા નામના યુવાનનું મોત થયું હતું. બીજીબાજુ ગળપાદરમાં રિક્ષામાંથી પટકાતાં નેમવતીબેન જશપાલ (ઉ.વ. 48) નામની મહિલાએ જીવ ખોયો હતો તેમજ લખપતના દયાપરમાં એસટીના પૈડાં નીચે બાઈક આવી જતાં ચાલક યુવાન ઉમર ઈસ્માઈલ જત (રહે. બીટિયારી)નું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ભચાઉના ચોબારીમાં ઉર્મિલાબેન ડાયા ઢીલા (ઉ.વ. 34)એ દવા પી લઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. શિણાય-તુણા માર્ગ પર રોયલ આર્કેડ સોસાયટી પાસે ગત તા. 29/10ના સાંજના અરસામાં જીવલેણ બનાવ બન્યો હતો. વંડી ગામમાં રહેનાર ફરિયાદી અકબર હાસમ બુચડ તથા તેનો મિત્ર મુસ્તાક ચબા બંને બાઈક નંબર જી.જે.-12 - ડીસી- 8493થી નીકળ્યા હતા. મુસ્તાકની સગાઈ હોવાથી બંને કપડાં લેવા આદિપુર આવી રહ્યા હતા. તે રોયલ આર્કેડ સોસાયટી પાસે પહોંચ્યા હતા ત્યારે સામેથી આવતી બાઈક નંબર જી.જે.-39- જે.-6648માં સવાર રમજા મુગરાણી તથા શેરબાનુ મુગરાણીને પાછળથી આવતા ટ્રેઈલર નંબર જી.જે.-39-ટી.એ.- 3263એ હડફેટમાં લીધા હતા. તેમની બાઈકને ઢસડી જતાં સામેથી આવતી બાઈકમાં અથડાઈ હતી. જેમાં આ ચારેયને ઈજાઓ પહોંચી હતી. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાતાં મુસ્તાકને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. સગાઈ થાય તે પહેલાં યુવાનના મોતને પગલે ભારે ગમગીની પ્રસરી હતી. બીજી બાજુ ગળપાદરમાં જગન્નાથ મંદિરથી શાંતિધામ તરફ જતાં ટિમ્બર રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો. નેમવતીબેન તથા અન્ય બે મહિલાઓ રિક્ષા નંબર જી.જે.- 06-બી.યુ.-4703માં સવાર થઈને મીઠીરોહર બાજુથી શાંતિધામ તરફ આવી રહ્યા હતા. તેવામાં રિક્ષાચાલકે કાવો મારતાં નેમવતીબેન નીચે ફંગોળાયા હતા. તેમને ગંભીર ઈજાઓ થતાં વધુ સારવાર અર્થે રામબાગ હોસ્પિટલ લઈ જવાયા હતાં. જ્યાં ફરજ પરના તબીબે આ મહિલાને મૃત જાહેર કર્યા હતા. રિક્ષાચાલક સામે હેમંત ઉદયવીર પ્રજાપતિએ ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ દયાપરના અમારા પ્રતિનિધિ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ દયાપર પાસે આવેલા કોરાનગર નજીક એસ.ટી. બસ માતાનામઢ-પાલનપુર જે હાલમાં માતાનામઢથી લંબાવાઈ છે. એસ.ટી. બસ સુભાષપરથી દયાપર કોરાનગર આવી રહી હતી ત્યારે મોડી સાંજે બાઈક નં. જી.જે.-12-ઈકે-0197નો 22થી 24 વર્ષનો યુવાન ચાલક ઉમર જત (રહે. બીટિયારી) એસ.ટી. બસના પાછળના પૈડાંમાં આવી જતાં ઉમર ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ અકસ્માતથી આસપાસના લોકો દોડી આવ્યા હતા. પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. આ દુર્ઘટનામાં ગંભીર ઈજાનાં પગલે ઉમરનું મોત નીપજ્યાની વિગતો મળી છે. વધુ એક બનાવ ભચાઉના ચોબારીમાં ઘનશ્યામ નગરમાં બન્યો હતો. અહીં સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેનાર ઉર્મિલાબેન નામના મહિલા ગત તા. 24/10ના પોતાનાં ઘરે હતા દરમ્યાન અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી તેમને વધુ સારવાર અર્થે ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તેમણે સારવાર દરમ્યાન ગઈકાલે બપોરે છેલ્લા શ્વાસ લીધા હતા.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd