નવી દિલ્હી, તા. 2 : પોતાના નિવેદનોને કારણે સતત ચર્ચામાં રહેતા બાગેશ્વર
ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. એક કથા દરમિયાન
ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણની તુલના કરતી વખતે તેમણે કરેલી કેટલીક ટિપ્પણીઓ
સામે સોશિયલ મીડિયા પર ભારે હોબાળો મચી ગયો હતો. વિવાદ આક્રમક બનતા જ આખરે ધીરેન્દ્ર
શાસ્ત્રીએ કેમેરા સામે હાથ જોડીને પોતાની વાત પર સફાઈ આપવી પડી છે અને સ્વીકાર્યું
છે કે તેમનાથી મોટી ભૂલ થઈ ગઈ છે. કથાના મંચ પરથી ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભગવાન
રામ અને શ્રીકૃષ્ણ વચ્ચે તુલના કરતા કહ્યું હતું કે, ભગવાન રામનું નામ એકદમ સીધું છે, જ્યારે કૃષ્ણનું નામ વાંકુ (ટેઢા) છે. અયોધ્યાનું નામ કેટલું સરળ અને સીધું
છે, જ્યારે વૃંદાવનનું નામ અટપટું છે. વાંસળી વગાડવી એ તો રમત
પણ છે, પરંતુ ધનુષ્ય ચલાવવું એ કોઈ રમત નથી. વિરોધનો સૂર તેજ
થતાં જ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાથ જોડીને માફી માંગવાની મુદ્રામાં સામે આવ્યા હતા.
તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, એક વાત કહું : ક્યારેક વિનોદ
(મજાક)માં અમે કંઈ પણ બોલી જઈએ છીએ. તેનો અર્થનો અનર્થ ન કાઢવો જોઈએ. મારાથી ભૂલ થઈ
જ જાય છે. ક્યારેક જોશમાં બોલી જવાય છે તો ક્યારેક ભાવમાં બોલી જવાય છે. મેં જે કહ્યું
તે ખોટું હતું અને મારે એવું નહોતું કહેવું જોઈતું. મેં કથામાં કહી દીધું કે કૃષ્ણજી
તો વાંકા છે અને રામજી સીધા છે, તો તેમાં શું ખોટું કહ્યું?
ઠાકુરજી તો ત્રિભંગી છે જ ને. આ અમે ભક્તિભાવમાં કહ્યું હતું. અમારા
પોતાના નામમાં પણ કૃષ્ણ જોડાયેલું છે. જેની સાથે વધારે પ્રેમ હોય તેની સાથે જ આવી લાડ
લડાવતી વાતો કરવામાં આવતી હોય છે. હું કોઈ ભગવાન કૃષ્ણનો વિરોધી નથી, હું પોતે ઠાકુરજીનો પરમ ભક્ત છું.