• મંગળવાર, 03 નવેમ્બર, 2026

રાહુલ વાસ્તવિક સંસદમાં વડાપ્રધાન નહીં બને

હૈદરાબાદ, તા. 2 : રાહુલ ગાંધીએ દિલ્હીમાં એક નકલી સંસદ ઊભી કરી છે. જો તેઓ તે નકલી સંસદના વડાપ્રધાન બન્યા હોત, તો સોનિયાજીના હૃદયને શાંતિ મળી હોત. તેઓ વાસ્તવિક સંસદમાં ક્યારેય વડાપ્રધાન બની શકશે નહીં તેવા પ્રહાર હૈદરાબાદમાં  `લોકશાહી બચાવો, અરાજકતા હટાવો' કૂચ દરમિયાન સભાને સંબોધિત કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યા હતા. એક મીડિયા હેવાલ મુજબ, વિરોધ પક્ષોના વિરોધ પ્રદર્શનોના જવાબમાં ભાજપે રાષ્ટ્રવ્યાપી શરૂ કરેલા `લોકશાહી બચાવો, અરાજકતા દૂર કરો' અભિયાન અંતર્ગત યોજાયેલી માર્ચમાં અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે, રાહુલજી, બે દિવસ પહેલાં તમે એક `નકલી સંસદ' યોજી હતી. જો તમે મને પૂછ્યું હોત, તો મેં તમને સલાહ આપી હોત કે, આ નકલી સંસદમાં તમે વડાપ્રધાનની ભૂમિકા ભજવો. કારણ કે, વાસ્તવિક સંસદમાં તો તમે ક્યારેય વડાપ્રધાન બની શકવાના નથી, જેથી સોનિયાજીના મનને થોડી શાંતિ મળી શકે. રાહુલજી, ચૂંટણી પૂરી થતાં જ તમે વિદેશ જતા રહો છો. અહીં, દેશની અંદર રહીને સખત મહેનત કરવાની જરૂર હોય છે. તમે તમારા હાથમાં બંધારણ તો રાખો છો, પરંતુ તેનો જરાય આદર કરતા નથી. અમે સંસદનું વિશેષ સત્ર બોલાવવા તૈયાર છીએ, આવો અને ચર્ચા કરો, પરંતુ તેમને અરાજકતા ફેલાવીને ચર્ચામાં રહેવાનું પસંદ છે તેમ ગૃહમંત્રીએ પ્રહાર કરતાં જણાવ્યું હતું. કોંગ્રેસ પક્ષ બાંગ્લાદેશી ઘૂસણખોરોને દેશની મતદારયાદીમાંથી દૂર થતા અટકાવીને તેમનું રક્ષણ કરવા માગે છે. આ ઘૂસણખોરો તેમની મતબેંક છે. રાહુલજી, તમે ગમે તેટલો પ્રયત્ન કરી જુઓ, પણ ભાજપ ત્યાં સુધી જંપશે નહીં જ્યાં સુધી દરેક ઘૂસણખોરને દેશમાંથી અને મતદારયાદીમાંથી દૂર કરવામાં ન આવે. આ સાથે જ તેમણે તેલંગાણામાં ભાજપની જીત અંગે કહ્યું હતું કે, 2014 અને 2019માં એસઆઈઆર પ્રક્રિયા નહોતી થઈ, તો પણ જીત્યા હતા. 2024માં પણ જીત મળી અને ત્યારબાદ મહારાષ્ટ્ર, હરિયાણા, દિલ્હી, બિહાર, બંગાળ અને આસામમાં પણ વિજય મેળવ્યો. હવે, તેલંગાણામાં પણ જીત મેળવવા અમે સજ્જ છીએ.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd