• મંગળવાર, 03 નવેમ્બર, 2026

ભુજનું સ્મૃતિવન ધનતેરસ પર્વે 51 હજાર દીવડાથી ઝગમગશે

ભુજ, તા. 2 : ધનતેરસના પર્વે સ્મૃતિવન ખાતે 51 હજાર દીવડા અને વિકસિત ભારતના સંકલ્પ સાથે યોજાનારાં દીપોત્સવનાં આયોજન અંગે અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખની આગેવાનીમાં બેઠક યોજાઈ હતી અને વધુમાં વધુ ભુજવાસીઓને જોડાવા આહવાન કરાયું હતું. ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે છેલ્લા પાંચ વર્ષથી ધનતેરસનાં પર્વે યોજાતા દીપોત્સવની પરંપરા આ વર્ષે પણ જળવાઈ રહેશે. આ વર્ષે પણ વિવિધ સંસ્થાઓ, સામાજિક આગેવાનો અને દાતાઓના સહયોગથી 51 હજાર દીવડાઓ પ્રગટાવી અને વિકસિત ભારતના સંકલ્પ સાથેના દીપોત્સવની ઉજવણી કરવાનું આયોજન કરાયું છે. શ્રી દેશમુખની આગેવાનીમાં યોજાયેલી બેઠકમાં દીપોત્સવનાં આયોજન અંગે ચર્ચા-વિચારણા કરાઇ હતી. નવીન વ્યાસ, રાહુલ ગોર, મનીષ બારોટ, પારૂલબેન કારા વિગેરેએ માર્ગદર્શન આપ્યું હતું. સમગ્ર ભુજ શહેર તથા આસપાસના વિસ્તારના નાગરિકો એકત્રિત થઈ ભૂકંપમાં અવસાન પામેલા સ્વજનોને દીપ પ્રગટાવી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરશે તેમજ ધનતેરસ નિમિત્તે સુખ, શાંતિ અને સમૃદ્ધિની કામના સાથે 51 હજાર દીવડાનો ઝળહળતો દીપોત્સવ યોજાશે તેવું જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, આ દીપોત્સવ ભુજવાસીઓ દ્વારા યોજાતો એક લોકઉત્સવ છે. વધુમાં વધુ લોકો પરિવાર સહિત દીપોત્સવમાં જોડાય તે માટે જાહેર આહ્વાન કરાયું હતું તેવું ચેતન કતિરાની યાદીમાં જણાવાયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd