ડિજિટલ
બેંકિંગ વ્યવહારોના સતત વધતાં જતાં ચલણની સાથોસાથ સાયબર ગુનાખોરીનો વ્યાપ પણ ચિંતાજનક
રીતે વધી રહ્યો છે. સાયબરગઠિયાઓ હવે સંખ્યાબંધ
કારસા દ્વારા લોકોની બચતમાં ઓનલાઈન ધાડ પાડીને સતત પડકાર ઊભા કરતા થયા છે. આવી ઓનલાઈન ઠગાઈના કારસામાં હવે ડિજિટલ એરેસ્ટનું
પરિમાણ ઉમેરાયું છે. ઓનલાઈન વપરાશકારોને કાયદાનો ડર બતાવીને ડિજિટલ એરેસ્ટ કરીને તેમની
જીવનમૂડી સાફ કરી જતા ગઠિયાઓએ હવે આ ચિંતામાં વધારો કર્યો છે. આમ તો પોલીસ સહિતની એજન્સીઓ
આવા ગુનેગારોને ઝડપવા સતત મથતી રહે છે, પણ ભાગ્યે જ કોઈએ ધ્યાન આપ્યું છે કે, આવા ઓનલાઈન ઠગો તેમની આ લૂંટની રકમ બેંકોના ખાતાની વાટે મેળવે છે. હવે સર્વોચ્ચ અદાલતે આવા મામલામાં બેંકોની જવાબદારી સામે કડક સવાલ ખડા કર્યા છે. સર્વોચ્ચ અદાલતે હવે
સ્પષ્ટ કર્યું છે કે, બેંકોની લાપરવાહીથી ઠગાઈ થાય તો તેમણે પીડિતોને
વળતર આપવું જોઈએ. અદાલતનો આ મત બેંકિંગ વ્યવસ્થાને
તેની જવાબદારીની યાદ અપાવે છે. બેંકોમાં જમા
નાણાંની સલામતી માત્ર ખાતાધારકોની સાવચેતી પર આધારિત રહી શકે નહીં. આ માટે બેંકે પણ
સતર્ક રહેવાની જરૂરત રહે છે. સામે આવી રહેલા
આંકડા સ્થિતિ ભારે ચિંતાજનક હોવાની પ્રતીતિ કરાવે છે. વર્ષ 2026માં અત્યાર સુધી ડિજિટલ એરેસ્ટના 22 હજારથી વધુ કિસ્સા સામે આવ્યા છે, જેમાં રૂા. 800 કરોડથી વધુની ઠગાઈ થઈ છે. ગયાં વર્ષે 202પમાં આવા પ8,239 કિસ્સામાં 1211 કરોડની ગંજાવર રકમ ભોગ બનેલાઓએ ગુમાવી હતી. આ આંકડ બતાવે છે કે, સાયબર જાગૃતિ અંગની ઝુંબેશો
છતાં ગુનેગારોનું નેટવર્ક યથાવત રહ્યંy છે. આવામાં વણજાહેર બનાવોની સંખ્યા પણ વધુ રહેતી
હોવાની આશંકા વ્યક્ત થતી રહે છે. સૌ કોઈ જાણે છે કે, આવી ઓનલાઈન ઠગાઈમાં નાણાંની હેરફેર
બેંકોના ડિજિટલ વ્યવહારો વાટે થતા હોય છે, પણ અત્યાર સુધી ભાગ્યે
જ કોઈએ આ બાબત પર ધ્યાન આપીને બેંકોની જવાબદારી નક્કી કરવાની સાથોસાથ આ નાણાં અપરાધીઓ
સુધી પહોંચતાં રોકવાની કોઈ વ્યવસ્થા માટે વિચાર કર્યો નથી. ખરેખર તો બેંકો કોઈ ખાતામાં
અચાનક જમા થતી શંકાસ્પદ મસમોટી રકમ, ઓનલાઈન રકમ જમા થવાનું પ્રમાણ
વધી જાય અથવા વાધાજનક જણાતી લેવડદેવડ જણાય તો બેંકોએ ત્વરિત કાર્યવાહીની વ્યવસ્થા ગોઠવવી
જોઈએ. બેંકો આવા ખાતની તાકીદની તપાસ ઉપરાંત
ખાતાધારકોના સીધા સંપર્ક, ઠગાઈની જણાય તેવી રકમોને તપાસ સુધી
હંગામી રીતે સ્થગિત કરવા જેવા પગલાં લેવા પર હવે ધ્યાન આપવાની જરૂરત છે. આવી સાયબર
લૂંટના બનાવોમાં અમુક કિસ્સામાં ગુનેગારો ઝડપાય છે અને થોડાઘણાને તેમની રકમ પરત પણ
મળે છે. જો કે, આ અપરાધોનો વ્યાપ એટલો બધો છે કે, સાયબર ગુનેગારોની પહોંચ અને હિંમત સતત વધી રહ્યા છે. હવે સર્વોચ્ચ અદાલતે આ
મામલે કડક વલણ લેવું શરૂ કર્યું છે. રિઝર્વ
બેંકને કેવાયસીના સુધારેલા નિર્દેશોની સમીક્ષા કરવાની સૂચના પણ આપી છે. આશા રાખી શકાય
કે, અદાલતની આ કડકાઈથી બેંકિંગ તંત્ર તેની જવાબદારીઓ પ્રત્યે
સજાગ થાય અને સમાન્ય લોકોની રકમ આવી ઠગાઈની સામે સલામત રહી શકશે.