ગાંધીધામ, તા. 2 : ગાંધીધામમાં રાજવી ફાટક પાસેના
એસઆરસીના પ્લોટમાં મહાનગરપાલિકાના માર્ગ બનાવતી એજન્સીએ પ્લોટની સાફ-સફાઈ પછી કચરામાં
આગ લગાવી હતી. પ્રદૂષણની ગંભીર સમસ્યા વચ્ચે એજન્સીઓ દ્વારા કચરામાં આગ લગાડીને સળગાવવામાં
આવતાં અનેક સવાલો ઊઠી રહ્યા છે. મહાનગરપાલિકાના વહીવટી તંત્રે એસઆરસીનો પ્લોટ છે તેમ
કહીને હાથ ઊંચા કરી લીધા છે, જ્યારે
ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મૂકપ્રેક્ષક બન્યું છે, જેના પગલે
તેમની સામે સવાલો ઊઠી રહ્યા છે. ગાંધીધામ મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટર વિસ્તારમાં તથા
આસપાસમાં મોટાપાયે ઉદ્યોગો છે, તેનું
પ્રદૂષણ સંકુલના નાગરિકોના સ્વાસ્થ્ય માટે ગંભીર બની ગયું છે, ઉપરાંત ગાંધીધામના જીઆઇડીસી સહિતના વિસ્તારોમાં કેમિકલયુક્ત કચરામાં આગ લગાડવામાં
આવતાં હવામાં પ્રદૂષણની સાથે ખતરનાક રજકણો પણ ફેલાય છે. અગાઉ અનેક વિસ્તારના લોકોએ
શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાની ફરિયાદો પણ કરી હતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ
તથા દીનદયાલ પોર્ટ ઓથોરિટીને લેખિત ફરિયાદો પણ કરી હતી, તેમ છતાં
કોઈ પગલાં લેવાયાં નથી, અગાઉ ડીપીએ દ્વારા તેના પ્લોટમાં સુરક્ષા
કર્મીઓ રખાયા હતા, પરંતુ જીપીસીબી દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં
આવી નથી. ગાંધીધામ-આદિપુર શહેરી વિસ્તારમાં
મહાનગરપાલિકા અને જીપીસીબીની નિષ્ફળતાના પગલે પ્રદૂષણનું સ્તર વધી રહ્યું છે. રાજવી
ફાટક પાસે આવેલા એસઆરસીના પ્લોટમાં કરોડો રૂપિયાના માર્ગો બનાવતી એજન્સીએ જમાવડો કર્યો
છે. તેમણે પ્લોટની સાફ-સફાઈ બાદ કચરામાં આગ લગાડી હતી. તેના ધુમાડાના ગોટા ને ગોટા
હવામાં ભળ્યા હતા. મહાનગરપાલિકાનો સંપર્ક સાધતાં તેમણે આ પ્લોટ અમારો નથી, એટલે કાર્યવાહી થઈ નહીં શકે તેવું કહ્યું હતું અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ
બોર્ડને પ્રદૂષણ દેખાતું નથી અને તેની નિષ્ફળતાના કારણે સંકુલમાં સતત પ્રદૂષણનો અંક
વધી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો શહેરના જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અહીં જે એજન્સીએ કચરામાં આગ લગાડી હતી, તેમણે અગાઉ મહાનગરપાલિકાની
મુખ્ય પીવાના પાણીની લાઈનમાંથી ગેરકાયદે જોડાણ લેવાની પણ પેરવી કરી હતી, એ સમયે માધ્યમોમાં સમાચાર આવ્યા બાદ મનપાએ રૂા. 10,000ના દંડની વસૂલાત કરી હતી.