ભુજ, તા. 2 : ટ્રેઈલરમાંથી પાઈપો માર્ગ પર
ધસી પડવાના બનાવોનો સિલસિલો અવિરતપણે ચાલુ જ છે. છતાંય તંત્રના પેટનું પાણી હલતું નથી
તે કમનસીબી છે. આજે ફરી દોઢ માસ પૂર્વેનાં સ્થળ માંડવી-ભુજ ધોરીમાર્ગ શિવપારસ પાસે
ટ્રેઈલરમાંથી નબળી દોરી તૂટતાં પાઈપો માર્ગ પર ધસી પડયા હતા. સદ્ભાગ્યે મોટી દુર્ઘટના
ટળી હતી. કચ્છમાં ઉદ્યોગોનો ધમધમાટ વધ્યો હોવાથી ભારેખમ ટ્રેઈલરોમાં માલ-સમાનાનું પરિવહન
સતત દેખાય છે. આ વચ્ચે લાંબા ચોરસ પાઈપો ચાલતાં
ટ્રેઈલરમાંથી માર્ગ પર પડી જવાનો છેલ્લા ચાર મહિનામાં આ ચોથો બનાવ છે. 12 ઓગસ્ટે ભુજમાં પ્રિન્સ રેસિડેન્સી
સામે ટ્રેઈલરમાંથી પાઈપો ખરી પડતાં કારને નુકસાન થયું હતું. આ જ રીતે ગત તા.29 સ્પટેમ્બરના શિવપારસ આગળ પણ
ટ્રેઈલરમાંથી પાઈપો માર્ગ પર પડતાં પાછળ આવતો છકડો અડફેટે આવ્યો હતો. આજે પણ આ જ સ્થળે
ટ્રેઈલર નં. જીજે-12-સીટી-6083માંથી પણ પાઈપો માર્ગની સાઈડમાં
ધસી પડયા હતા. આ પાઈપો બાંધવા માટે વપરાતી દોરી નબળી હોવાનું અગાઉ અને આજ પણ સામે આવ્યું
છે. આવા અત્યંત જોખમ ઝળૂંબતા ગંભીર અકસ્મતમાં મોટી જાનહાનિ થાય તેની તંત્ર રાહ જોતું
હોય અને ત્યારબાદ જ કાર્યવાહી થશે તેવા માર્મિક - ગંભીર કટાક્ષો જાગૃતો કરી રહ્યા છે. આથી માર્ગ પર દોડતાં યમદૂત સમાન આવા વાહનોમાં
વહન થતા ભારે યંત્રો સલામત રીતે બંધાય છે કે નહીં તેની કાળજી લઈને આરટીઓ તથા પોલીસ
તંત્રએ ચકાસણી કરવી અત્યંત જરૂરી બની હોવાનું જાગૃતો જણાવી રહ્યા છે.