નવી દિલ્હી, તા. 2
: હાયલો ઓપનમાં ઐતિહાસિક ડબલ ટાઇટલ જીત્યા બાદ ભારતના સ્ટાર બેડમિન્ટન
ખેલાડી લક્ષ્ય સેન અને પી વી સિંધુએ કોરિયા ઓપન સુપર 500 ટૂર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. આ ટૂર્નામેન્ટમાં હવે અનુભવી એચ.
એસ. પ્રણોય અને ઉભરતી ખેલાડી તન્વી શર્મા ભારતીય પડકારની આગેવાની સંભાળશે. લક્ષ્ય સેને
પ્રથમ રાઉન્ડમાં ચીનના ડોંગ તિયાન યાઓ સામે મેચ હોવા છતાં આરામ મેળવવા માટે નામ પાછું
ખેંચ્યું છે. બીજી તરફ, મહિલા સિંગલ્સમાં ડેનમાર્કની લાઇન ક્જેર્સફેલ્ડને હરાવી ચેમ્પિયન બનેલી પીવી
સિંધુએ પણ કોરિયા ઓપન અને ત્યારબાદ યોજાનારા જાપાન માસ્ટર્સમાંથી બ્રેક લેવાનું નક્કી
કર્યું છે. બન્ને ટોચના ખેલાડીઓની ગેરહાજરી ભારત માટે મોટો ફટકો છે. બીજી તરફ પુરુષ
સિંગલ્સમાં 33 વર્ષીય એચ.એસ. પ્રણોય પોતાની પ્રથમ મેચ દક્ષિણ
કોરિયાના યુ તાઈ બિન સામે રમશે. ટોપ સીડ ચાઉ તિએન ચેન અને કોડાઈ નારાઓકાની હાજરી વચ્ચે
પ્રણોય પર ભારતને ટાઇટલ અપાવવાની મોટી જવાબદારી રહેશે. મહિલા સિંગલ્સમાં તાઈપેઈ ઓપન
ચેમ્પિયન તન્વી શર્મા જાપાનની મનામી સુઈઝુ સામે ટકરાશે. માલવિકા બંસોડનો મુકાબલો ચોથી
ક્રમાંકિત સિમ યુ જિન સામે થશે. હાયલો ઓપનની સેમિફાઇનલ સુધી પહોંચનારી 19 વર્ષીય અનમોલ ખર્બ કેનેડાની રશેલ ચાન સામે પોતાની શરૂઆત કરશે. મહિલા ડબલ્સમાં સોનાલી
સિંહ અને રિતિકા ઠાકરની જોડી ઓસ્ટ્રેલિયાની લોડિયા ચેલ્સિયા અને નોઝોમી શિમિઝુ સામે
રમશે.