ભુજ, તા. 2 : ચાલુ વર્ષે અપૂરતો વરસાદ પડતાં
રાજ્ય સરકારે કચ્છને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સહાય જાહેર કરી છે. જાહેર કરાયેલી આ સહાય
અપૂરતી હોવાના કચવાટ સાથે ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘે રાજ્ય સરકાર આ બાબતે ફેરવિચારણા
કરે તેવી લાગણી વ્યક્ત કરી છે. ભુજ તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ કાનજીભાઇ ગાગલની
આગેવાનીમાં ખેડૂતોએ મામલતદારને પાઠવેલા આવેદનમાં ધરતીપુત્રોને બોરવેલ માટે બે ગુંઠા
જમીન મંજૂર કરવા, શ્રીસરકાર
દાખલ થયેલ જમીનો હયાત કબજેદારને મંજૂર કરવા તેમજ જો સરકાર કંપનીઓને લીઝ ઉપર જમીન આપે
તો ખેડૂતોના સર્વે નંબરને લાગુ પડતી જમીન લીઝ ઉપર ખેડૂતોને ખેતી કરવા માટે આપવાની માગણી
કરવામાં આવી છે. આવું કરવાથી સરકાર અને ખેડૂત બંનેની આવક વધશે તેવું રજૂઆતમાં જણાવાયું
છે. આવેદનપત્ર આપવા સમયે ખેડૂતો મોટી સંખ્યામાં જોડાયા હતા.