• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

દિવાળી વેકેશન પૂર્વે સમસ્યા નિવારવા માંગ : માર્ગ વિસ્તરણની શક્યતા ધ્યાને લેવી જરૂરી

કાઠડા (તા.માંડવી), તા.29 : માંડવી શહેરના મુખ્ય માર્ગ એવા માંડવી-નલિયા હાઇવે પર અંદાજે ત્રણ કિ.મી.ના માર્ગને પહોળો કરવામાં આવ્યો છે. આ માર્ગ પર ફોરેસ્ટ વિભાગની કચેરી સામે, ચારણ બોર્ડિંગ સામે સહિતના સ્થળોએ જોખમી સ્થિતિમાં ગટરલાઇન ચેમ્બરોની આ સમસ્યાનો હજી સુધી ઉકેલ આવ્યો ન હોવાથી વાહન ચાલકોની સલામતીને લઈને સવાલો ઊઠી રહ્યા છે. એક તરફ રસ્તાની વચ્ચે આવેલી ગટરની ચેમ્બરો જોખમરૂપ બની રહી છે, તો બીજી તરફ ભવિષ્યમાં માર્ગવિસ્તરણની જરૂરિયાતને ધ્યાનમાં રાખ્યા વિના ગટરલાઇનની કામગીરી થઈ રહી હોવાની રજૂઆતોને પગલે આયોજન સામે પણ ચર્ચા ઊઠી હતી. ટૂંક સમયમાં દિવાળી વેકેશન શરૂ થવાનું હોવાથી માંડવીના દરિયાકિનારા સહિત આસપાસનાં વિવિધ પ્રવાસન સ્થળોએ પ્રવાસીઓનો ઘસારો વધવાની સંભાવના છે પરિણામે મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારનું ભારણ પણ વધશે. આવી સ્થિતિમાં માંડવી-નલિયા હાઇવે પર આવેલી જોખમી ગટર ચેમ્બરો વાહનચાલકો માટે મુશ્કેલી ઊભી કરવાની સાથે અકસ્માતની  ભીતી વ્યકત કરાઈ હતી.  વેકેશન પહેલાં જ સંબંધિત તંત્ર દ્વારા ચેમ્બરોનું સમારકામ અને જરૂરી પગલાં લેવાય તેવી જાગૃત નાગરિકો દ્વારા માંગ કરાઈ હતી. રોયલ વિલાસ રહેણાંક વિસ્તાર સુધીના માર્ગ પર ગટરલાઇન નાખવાની  ચાલી રહેલી કામગીરી માર્ગની નજીક કરાઈ રહી હોવાથી ભવિષ્યમાં રસ્તો પહોળો કરવાની જરૂર ઊભી થાય તો ગટરલાઇનની ચેમ્બરો ફરી રસ્તાની વચ્ચે આવી શકે તેવી શક્યતા દર્શાવતાં  ગટર લાઈન નાખતી વખતે માર્ગવિસ્તરણની શક્યતાને પણ ધ્યાનમાં રાખીને આયોજન કરવા જણાવાયું હતું. માંડવીના મુખ્ય માર્ગ પર ગટરની ચેમ્બરોની સમસ્યા યથાવત્ છે, ત્યારે અન્ય વિસ્તારમાં ચાલી રહેલી ગટરલાઇનની કામગીરીમાં ભવિષ્યની જરૂરિયાતોને કેટલું ધ્યાનમાં લેવામાં આવી રહ્યું છે તેવો સવાલ જાગૃત નાગરિકો ઉઠાવી રહ્યા છે.  આ અંગે નગરપાલિકાના સંબંધિત તંત્રનો સંપર્ક કરતાં જણાવાયું હતું કે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી)ના સંકલન હેઠળ ગટરલાઇનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર માંડવી વિસ્તારમાં અંદાજે રૂ. 20 કરોડના ખર્ચે કામગીરી કરાઈ રહી હોવાનું પણ જણાવાયું હતું. માર્ગ સલામતી, ભવિષ્યના માર્ગ વિસ્તરણ અને જાહેર નાણાના વ્યય સહિતના મુદ્દાને ધ્યાને લઈ દિવાળી વેકેશન પહેલાં જોખમી ચેમ્બરોનું નિરાકરણ અને યોગ્ય આયોજન થાય તે જરૂરી બન્યું છે તેવું યાદીમાં જણાવાયું હતું. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd