નલિયા, તા. 29 : નલિયા-ભુજ હાઇવે પર રોહા-ચાડી
માર્ગ નજીક પુરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે સ્ટીયારિંગ પરથી કાબૂ ગુમાવતાં રસ્તાની
સાઈડમાંથી પસાર થઈ રહેલાં ઘેટાં-બકરાંને અડફેટે લીધાં હતાં. ટ્રકના તાતિંગ પૈડાં ફરી
વળતાં 16 જેટલાં ઘેટાં-બકરાંનાં કચડાઈ
જવાથી ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં. રોહાસુમરી ગામના માલધારી હજામ કરીમ નૂરમામદ
પોતાના પશુઓ લઈને માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી, જેના પગલે ગરીબ માલધારી પરિવારને મોટો આર્થિક
ફટકો પડ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અબડાસા પંથકમાં ઔદ્યોગિક
પરિવહનને કારણે ટ્રક-ટેલરોની અવરજવર ખૂબ વધી છે. ઘણા વાહનો શિખાઉ અને લાયસન્સ વગરના
ડ્રાઇવરો ચલાવતા હોવાથી અવારનવાર અકસ્માતો સર્જાય છે. આવા બેફામ વાહનચાલકો સામે પોલીસ
અને આરટીઓ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિક લોકોમાં ઉગ્ર માંગ
ઊઠી છે.