• શુક્રવાર, 30 ઑક્ટોબર, 2026

આજે ચોથી ટી-20 : ફરી રન રમઝટની શક્યતા

ઓકલેન્ડ, તા. 29 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચોની ટી20 શ્રેણીમાં ભારતીય ટીમે 3-0ની સરસાઈ મેળવીને પહેલેથી જ દબદબો જાળવી રાખ્યો છે. હવે શ્રેણીનો ચોથો મુકાબલો શુક્રવારે ઓકલેન્ડના ઐતિહાસિક ઈડન પાર્ક ખાતે રમાશે ત્યારે ભારત વધુ એક જીતના ઇરાદે ઉતરશે. આ મેદાનની નાની સીધી બાઉન્ડ્રી અને બાટિંગ-અનુકૂળ પિચને જોતાં ભારતીય બેટ્સમેનો પાસેથી ફરી એકવાર તોફાની અને રેકોર્ડબ્રેક ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવી રહી છે. અહીં સીધી બાઉન્ડ્રી અત્યંત ટૂંકી છે, જ્યારે સ્ક્વેર બાઉન્ડ્રી પ્રમાણમાં લાંબી છે. કિવી સ્પીડસ્ટર લોકી ફર્ગ્યુસન પણ કબૂલી ચૂક્યો છે કે અહીં રમતી વખતે એવું લાગે છે જાણે દર્શકો ખેલાડીઓની બિલકુલ પીઠ પાછળ ઊભા હોય! આવા સંજોગોમાં કિવી બોલરોએ પોતાની લાઇન-લેન્થ અને રણનીતિમાં ઝડપી ફેરફારો કરવા પડશે. આ મેચમાં સ્ટેડિયમમાં આશરે 40 હજાર જેટલા દર્શકો ઉમટી પડવાની ધારણા છે, જેમાં મોટી સંખ્યા ભારતીય પ્રશંસકોની હશે. આ સાથે જ ન્યૂઝીલેન્ડમાં દ્વિપક્ષીય શ્રેણીમાં દર્શકોની ઉપસ્થિતિનો નવો ઇતિહાસ રચાવાની શક્યતા છે. અગાઉ 2019માં ભારત સામેના ડબલ-હેડર મુકાબલામાં અહીં 36,523 દર્શકો નોંધાયા હતા. ઇશાન કિશન પ્રેકિટસ નેટમાં પરસેવો પાડતો જોવા મળ્યો હતો. જેથી આ મેચમાં તે ફરી ટીમમાં સામેલ થાય તેવી શક્યતા છે. જો તે નહીં રમે તો ફરી વૈભવને તક મળશે. ભુવનેશ્વર કુમાર વાપસી બાદ ઝળક્યો નથી, તેના પર નજર રહેશે. બીજી તરફ ઈજાના કારણે કિવીનો અનુભવી ઝડપી બોલર ફર્ગ્યુસન બાકીની શ્રેણીમાંથી બહાર થઈ ચૂક્યો છે. વળી, બાટિંગ લાઇન-અપમાં ફિન એલનને બાદ કરતાં કિવી ટીમ પાસે ભારતીય બાટિંગ ક્રમ જેવી ઊંડાણપૂર્વકની આક્રમકતા જોવા મળી નથી. શ્રેણીમાં વ્હાઇટવોશથી બચવા માટે યજમાન ટીમે બાટિંગ અને બાલિંગ બંને મોરચે લડવું પડશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd