ગાંધીધામ, તા. 29 : અહીંના કંડલા વિશેષ આર્થિક
ક્ષેત્રમાં આવેલી બે કંપનીઓમાં ગત મોડી રાતે વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ
હતી કે તેના ધુમાડા દૂર-દૂર સુધી દેખાતા હતા. રાત્રે કામકાજ બંધ હોવાથી જાનહાનિ ટળી
હતી. લાયબંબાઓએ પાણીનો મારો ચલાવ્યા છતાં આજે
સાંજ સુધીમાં ક્યાંક ક્યાંક ધુમાડા દેખાતા હતા. આગના આ બનાવમાં મશીનરી, વપરાયેલાં કપડાં વગેરે સળગી ગયા હોવાનું બહાર
આવ્યું હતું. બન્યો હતો. અહીં આવેલી ટેક્સપોલી અને લોટસ નામની કંપનીઓમાં મોડીરાતે અચાનક
ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે દોડધામ થઈ પડી હતી. બાજુબાજુમાં આવેલી
યુઝ્ડ ક્લોથ (વપરાયેલા કપડાં)ની આ કંપનીમાં રાત્રે 2:30થી 3ના ગાળામાં આગ નજરે પડી હતી. આગનો બનાવ
પ્રકાશમાં આવતાં કંપનીના સંચાલકો અને કાસેઝ તંત્રમાં દોડધામ થઈ હતી. તાત્કાલિક કાસેઝના લાયબંબા અહીં દોડી આવી આગ ઉપર
કાબૂ મેળવવા પાણીનો મારો ચલાવ્યો હતો પરંતુ આગ એટલી ભીષણ હતી કે બાદમાં કંડલા ટિમ્બર
એસોસીએશનના લાયબંબા બોલાવવાની ફરજ પડી હતી. આ બન્ને ટીમોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં
લેવા પ્રયત્નો હાથ ધર્યા હતા. આ વિકરાળ આગના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી નજરે પડતા હતા. જેના પરથી આગની ભયાનકતાનો
અંદાજ લગાવી શકાતો હતો. આ બનાવમાં રાહત એ રહી હતી કે, રાત્રે કંપનીઓમાં કામકાજ બંધ હતું જેના કારણે
કામદારો કે સ્ટાફ હાજર ન હતો જેના કારણે સદનસીબે જાનહાનિ ટળી હતી. આગની વિકરાળ જ્વાળાઓએ
બંને કંપનીઓને ઘેરી લીધી હતી. જેના કારણે કંપનીઓમાં
રહેલો માલ (યુઝ્ડ ક્લોથ) તથા મશીનરી વગેરે બધું સળગી ગયું હોવાનું કાસેઝના પ્રવક્તાએ
કહ્યું હતું. આ બનાવ અંગે ગાંધીધામ બી-ડિવિઝનનો સંપર્ક કરતાં આજે સાંજ સુધીમાં કોઈ
નોંધ ન હોવાનું બહાર આવ્યું હતું. આ વિકરાળ આગમાં બધું સળગી જતાં કરોડોની નુકસાનીનો
અંદાજ આંકવામાં આવ્યો હતો. કાસેઝમાં દિવાળી ટાણે જ કંપનીઓમાં આગ લાગતી હોવાથી પણ લોકોમાં
અનેક તર્ક -વિતર્ક વહેતા થયા હતા. આગનો આ બનાવ શોર્ટસર્કિટથી થયો હતો કે કેમ કે અન્ય
કોઈ કારણે લાગી હતી તે હજુ બહાર આવ્યું નથી.