નવી દિલ્હી, તા. 29 : ચક્રવાત અર્નબના
કારણે આંધ્ર પ્રદેશ, ઓરિસ્સા સહિતના
વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરે તારાજી સર્જી છે. આંધ્રપ્રદેશમાં ચક્રવાતના કારણે મૃત્યુઆંક
9 થયો છે. બીજી તરફ ઓરિસ્સામાં નદીનું જળસ્તર વધ્યા બાદ 300 ગામ પૂરના પાણીમાં ઘેરાયા હતા.
આ દરમિયાન ગૃહ મંત્રી અમિત શાહે આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી, ઓરિસ્સા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે
વાતચીત કરી હતી અને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. ચક્રવાત અર્નબની અસર
હજી સુધી ખતમ થઈ નથી તેવામાં બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય બની છે. ભારતીય
હવામાન વિભાગ અનુસાર દક્ષિણ અંદામાન સાગર અને તેની આસપાસના ક્ષેત્રમાં હળવા દબાણનું ક્ષેત્ર બન્યું છે. જે આગામી 24 કલાકમાં ડિપ ડિપ્રેશન અને 48 કલાકમાં ચક્રવાતી તોફાનમાં તબદીલ થવાની આશંકા છે. બીજી તરફ ઓરિસ્સામાં
ચક્રવાત અર્નબના કારણે ભારે વરસાદ થયો હતો અને ગંજમ જીલ્લામાં અંદાજીત 300 ગામ પૂરના પાણીથી ઘેરાયા હતા.
આ ગ્રામ્ય વિસ્તારના લોકોને સુરક્ષિત બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા હવાઈ મદદની તૈયારી
કરી લીધી હતી. જો કે સતત વરસાદ અને આકાશમાં નીચે સુધી છવાયેલા વાદળના કારણે હેલીકોપ્ટરથી
લોકોને રેસ્કયૂમાં મુશ્કેલીની આશંકા હતી. ગંજમ જીલ્લામાં ત્રણ દિવસથી સતત વરસાદ થઈ
રહ્યો હતો. જેનાથી રુષિકુલ્યા નદીનું જળસ્તર જોખમી બન્યું હતું. નદીનું પાણી આસપાસના
ગામોમાં ઘૂસી ગયું હતું. સ્થિતિને ધ્યાને રાખીને એનડીઆરએફએ લોકોને રેસ્કયૂ કરવાની કામગીરી
શરૂ કરી દીધી હતી. અંદાજીત 300 ગામ પૂરના
પાણીમાં ફસાયા હતા. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ ચક્રવાતી તોફાન અર્નબની સ્થિતિ
અંગે માહિતી મેળવી હતી. તેમણે આંધ્ર પ્રદેશ, પુડ્ડુચેરી, ઓરિસ્સા અને છત્તીસગઢના મુખ્યમંત્રીઓ સાથે
વાતચીત કરી હતી અને દરેક સંભવ મદદ આપવાનું આશ્વાસન આપ્યું હતું. ચક્રવાતી તોફાન અર્નબ બુધવારે વ્હેલી સવારે આંધ્ર
પ્રદેશના તટે ટકરાયું હતું અને પછી આંધ્ર પ્રદેશ અને પુડ્ડુચેરી ઉપરથી પસાર થયું હતું.
ચક્રવાતની સૌથી વધારે અસર આંધ્ર પ્રદેશમાં જોવા મળી હતી. જયાં 9 લોકોના મૃત્યુ થયા હતા.