ભુજ, તા.28 : ભારતીય જનતા પાર્ટી દ્વારા
અમદાવાદમાં લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો
પદયાત્રા યોજાઈ હતી, જેમાં કચ્છમાંથી બે હજારથી વધુ કાર્યકરો
જોડાયા હતા. લોકશાહીની ગરિમા જાળવવા અને અરાજકતાના વિરોધમાં જનજાગૃતિ લાવવાના સંકલ્પ
સાથે યોજાયેલકી આ પદયાત્રામાં કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદની આગેવાની
હેઠળ કચ્છભરમાંથી બે હજારથી વધુ આગેવાનો, કાર્યકરો જોડાયા હતા.
કોંગ્રેસ સહિતના વિપક્ષી પક્ષો દ્વારા વિવિધ આંદોલનો અને રેલીઓના માધ્યમથી લોકશાહીની
ગરિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસો કરાઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે ભારતીય જનતા પાર્ટી
દ્વારા દેશભરમાં લોકતંત્ર બચાવો-અરાજકતા હટાવો
અભિયાન ચલાવાય છે. આ અભિયાનના ભાગરૂપે અમદાવાદમાં યોજાયેલી પદયાત્રામાં ભાજપના આગેવાનો,
કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો. પદયાત્રામાં ભાજપના
કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,
નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વગેરે હાજર રહ્યા હતા. કચ્છમાંથી આગેવાનો
રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, જિલ્લા ભાજપના પ્રભારી ફલજીભાઈ
ચૌધરી, કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, , જિલ્લા પંચાયતનાં પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો કેશુભાઈ
પટેલ, વિરેન્દ્રાસિંહ જાડેજા, માલતીબેન
મહેશ્વરી અને પ્રદ્યુમ્નાસિંહ જાડેજા, ગાંધીધામ મહાનગરપાલિકાના
અધ્યક્ષ દિવ્યાબેન નાથાણી, જિલ્લા ભાજપના મહામંત્રીઓ ધવલભાઈ આચાર્ય,
હિતેશભાઈ ખંડોર, ભીમજીભાઈ જોધાણી, જિલ્લા સંગઠનના આગેવાનો, મહાનગરપાલિકા, પાલિકાના હોદેદારો, વિવિધ મોરચાના આગેવાનો, તમામ મંડલોમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો પદયાત્રામાં સહભાગી થયા હોવાનું જિલ્લા
ભાજપના મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવી, મીડિયા સહ-ઈન્ચાર્જ
ચેતનભાઈ કતીરાએ એક યાદીમાં જણાવ્યું હતું.