ભુજ, તા. 28 : બારથી તેર વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે
ભુજમાં નખાયેલાં ટ્રાફિક સિગ્નલો હાલ ધૂળ ખાઈ રહ્યાં છે. આમ લાખોનો ખર્ચ એળે ગયો કે
શું ? તેવા સવાલો ઊઠયા છે. શહેરમાં વધતાં જતાં વાહનો અને સતત અવર-જવરનાં પગેલે
હાલ જ્યુબિલી સર્કલથી જી.કે. જનરલ હોસ્પિટલનો માર્ગ 18 મીટરનો થઈ રહ્યો છે. જેની કામગીરી પૂરજોશમાં
ચાલી રહી છે, ત્યારે વાહનોના નિયમન અંગે વર્ષ 2013-14માં ભુજમાં 18થી 20 લાખના ખર્ચે ટ્રાફિક સિગ્નલો લાગ્યાં હતાં જે હાલ
તો શોભાના ગાંઠિયા સમાન નજરે પડે છે. અમુક સ્થળેથી તો આવા સિગ્નલો ગાયબ થઈ ગયાં છે.
જે-તે સમયે એટલે કે વર્ષ 2014માં
ભુજમાં ટ્રાફિક સિગ્નલોની લીલી-લાલ,
કેસરી બત્તીઓ ઝબૂકી ત્યારે લોકજાગૃતિના
અભાવે રમૂજી દૃશ્યો તથા તેને લઈ ટ્રાફિકજામ સર્જાયા હતા. લાલબત્તી શરૂ થતાં કેટલાક
પગે ચાલતા રાહદારી પણ થોભી જતા રમૂજ ફેલાતી હતી, જ્યારે
જ્યુબિલી સર્કલના પાંચ માર્ગો ભેગા થાય છે,
ત્યાં લાગેલા સિગ્નલો આવન-જાવનની સમય આવરદાની
ટેકનિકલ ખામીના લીધે તેમજ વાહનચાલકોની જાગૃતિના અભાવે જે-તે સમય ત્યાં સતત ટ્રાફિકજામ
રહેતો જે લોકો - માટે માથાના દુ:ખાવા સમાન હતો. : આ બાદ જ્યુબિલી સર્કલને નાનુ કરાતાં વાયરિંગ બદલવા અંદાજે રૂા. 6.50 લાખનો ખર્ચ થયો હતો, જે-તે સમયે આ ટ્રાફિક સિગ્નલોના રખરખાવ અને વીજબિલની જવાબદારી નગરપાલિકાને
સોંપાઈ હતી. હાલ આ ટ્રાફિક સિગ્નલની જવાબદારી પોલીસ પાસે હોવાની વિગતો મળતાં પોલીસવડા
વિકાસ સુંડાને આ વર્ષોથી બંધ સિગ્નલને કાર્યરત કરવા અંગે પૂછતાં જણાવ્યું હતું કે, પ્રયોગાત્મક રીતે ચાલુ કરી પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ શું કરી શકાય
તે અંગેનો નિર્ણય લેવાની ધરપત આપી હતી. - ભુજના ટ્રાફિક સિગ્નલની જન્મ કુંડળી : આ ટ્રાફિક સિગ્નલની જન્મ કુંડલી પર એક નજર
કરીએ તો 2013માં 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વના પ્રસંગે વિકાસકામોની
ગ્રાન્ટમાંથી શહેરમાં ટ્રાફિક સિગ્નલની લાઈટો ખરીદવાની મંજૂરી પ્રભારી મંત્રીની અધ્યક્ષતામાં
મળી હતી. ત્યારબાદ 18થી 20 લાખના ખર્ચે ન્યૂક્લીઓનિક્સ ટ્રાફિક સોલ્યુશન
પ્રા.લિ. પુના પાસેથી ટ્રાફિક સિગ્નલના 28 પોલ અને લાઈટોની ખરીદી કરી શહેરના ચાર સ્થળો જ્યુબિલી સર્કલ ચાર રસ્તા, ઈન્દિરા પાર્ક-વી.ડી. હાઈસ્કૂલ પાસે, એસ.બી.આઈ.
જંકશન-બુધરમલ પેટ્રોલ પંપ નજીક તેમજ જી.ઈ.બી. કચેરી ત્રણ રસ્તા (હોસ્પિટલ રોડ) મધ્યે
2014માં લગાડવામાં આવ્યા હતાં. ત્યારબાદ વીજજોડાણ-મીટર
પૂરા પાડવા અને રખરખાવની જવાબદારી નગરપાલિકાને સોંપી દેવાઈ હતી.