ગાંધીધામ, તા. 27 : મહાનગરપાલિકાના મેઘપર બોરીચી
સહિતના ગ્રામીણ વિસ્તારની સોસાયટીઓમાં ઘરે ઘરે કચરા એકત્રીકરણની ડોર ટુ ડોરની ગાડીઓ
પહોંચી છે પરંતુ 650થી વધુનું
માનવબળ હોવા છતાં જમીન ઉપર ગંદકી ફેલાયેલી રહેતા વહીવટી તંત્ર ઉપર અનેક સવાલો ઊભા થઈ
રહ્યા છે. દિવાળીનો તહેવાર પણ ચો તરફ ફેલાયેલી ગંદકી વચ્ચે નીકળે તેવી સ્થિતિ ઊભી થઈ
છે. દર મહિને દોઢથી પોણા બે કરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે છતાં સ્થિતિ સુધરતી નથી.
ગાંધીધામ મહાનગરપાલિકા 130થી વધુ રોજમદાર
અને લગભગ 30ની આસપાસ કાયમી સફાઈ કર્મચારીઓ સહિત 160નું માનવબળ છે. તો એજન્સીને જમીનની સફાઈની કામગીરી સોંપવામાં આવી
છે તેમણે ગાંધીધામ ઝોનમાં 200 અને આદિપુર
ઝોનમાં 200 એમ કુલ 400 સફાઈ કામદારો સહિત 500નું માનવ બળ પૂરું પાડવાનું
છે. આ ઉપરાંત જેસીબી, ટ્રેક્ટર,
લોડર, રોડ સ્લીપર સહિતના સાધનો કાર્યરત રાખીને
બે શહેરો અને છ ગામડાઓમાં સફાઈ કરીને સ્વચ્છ અને સુંદર બનાવવાના છે. પરંતુ ખાટલે મોટી
ખોટ એ છે કે એજન્સી પૂરતા પ્રમાણમાં ટેન્ડરની શરતો મુજબ માનવબળ અને સાધનો પુરા પાડતી
નથી. ચોપડા ઉપર વ્યવસ્થિત આકલન થાય છે પરંતુ
જમીન ઉપર સફાઈ થતી નથી. 650 થી વધુનું માનવબળ હોવા છતાં
સફાઈ નો અભાવ છે ખાસ કરીને અંતરજાળ, શિણાય, મેઘપર બોરીચી તથા મેઘપર કુંભારડી ની સોસાયટી વિસ્તારોમાં
સફાઈ થતી નથી પરિણામે ગંદકીના ગંજ ખડકાયેલા છે જેના કારણે રોગચાળાનો પણ ખતરો ઊભો થયો
છે. સોસાયટી વિસ્તારોમાં ઘરે ઘરે થી કચરાનું
એકત્રીકરણ કરતી ડોર ટુ ડોર ની ગાડીઓ પહોંચી રહી છે. અને કચરો લઇ રહી છે. પરંતુ આ જ
સોસાયટી વિસ્તારોમાં જમીન ઉપર ફેલાયેલી ગંદકીની સફાઈ માટે એજન્સીનું માનવબળ કામ કરતું
હોય તેવું દેખાતું નથી. આ વિસ્તારના લોકોના જણાવ્યા મુજબ અહીં કચરો લેવા માટે ગાડીઓ
આવે છે પરંતુ જમીન ઉપર થી કચરા ની સફાઈ માટે મહાનગરપાલિકા દ્વારા કોઈ કામગીરી થતી નથી.
પરિણામેં ગંદગી ફેલાયેલી રહે છે. હાલના સમયે
મોટા તહેવારો આવી રહ્યા છે ત્યારે પણ તંત્ર દ્વારા કોઇ પગલાં ભરવામાં આવતા નથી. જેના
કારણે માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને રોગચાળાની ભીતિ પણ ઉભી થઇ છે. રાજ્ય સરકાર
દ્વારા સફાઈ ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયુ હતું
ત્યારે બે અઠવાડિયા સુધી મ્યુનિસિપલ કમિશનર સફાઈ ઉપર નજર રાખતા હતા પરંતુ હાલના
સમય સમીક્ષા થતી નથી. પરિણામે જમીન ઉપર માનવબળ કાર્યરત છે કે નહીં તેનાથી આખું વહીવટી
તંત્ર અજાણ છે તિજોરીમાંથી રૂપિયાની સફાઈ થઈ રહી છે જમીન ઉપર ગંદકી ફેલાયેલી છે આ બાબતે
વહીવટી તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવે તે જરૂરી છે.