અંજાર, તા. 27 : અંજારના ગાયત્રી ચાર રસ્તાથી
દેવનગર સુધીનો મુખ્ય માર્ગ લાંબા સમયથી અત્યંત બિસમાર હાલતમાં હોવાથી સ્થાનિક રહીશો, વેપારીઓ અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા
છે. માર્ગ પર પડેલા મોટા ખાડાઓ અને ઊડતી ધૂળને કારણે અકસ્માતનો ભય સતત તોળાતો રહેતાં
આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સ્થાનિક નાગરિકો દ્વારા નગરમાં એક બિનરાજકીય રેલી કાઢીને
નગરપાલિકા કચેરી ખાતે ધારણા શરૂ કરાયા છે. આ રેલીમાં વિવિધ સમાજના અગ્રણીઓ,
મહિલાઓ, યુવાનો અને ચૂંટાયેલા નગરસેવકો સહિતના
લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં દિવાળી પૂર્વે હંગામી
ધોરણે માર્ગનું સમારકામ કરી ખાડા પૂરવા અને બીજું, નવો રોડ ક્યારે
બનશે તેની લેખિતમાં ચોક્કસ સમયમર્યાદા જાહેર કરવાની માંગ દિવાળી પહેલાં પૂરી કરવા સુધરાઈ તંત્રને હાકલ કરાઈ હતી. જો કે, નગરપાલિકા તંત્ર તરફથી આ અંગે કોઈ સંતોષકારક જવાબ ન મળતાં નાગરિકોમાં ભારે
રોષ ફેલાયો હતો. પરિણામે, હરિભાઈ આહીર, નગરસેવક રાજેન્દ્રાસિંહ
જાડેજા સહિતના આગેવાનો અને સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરી ખાતે અચોક્કસ મુદતના ધરણા
શરૂ કર્યાં છે. આંદોલનકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે, માત્ર મૌખિક
આશ્વાસનો નહીં ચાલે, રસ્તાના નિર્માણ અંગે વહીવટી તંત્ર દ્વારા
નક્કર લેખિત ખાતરી આપવામાં આવે તેવી માંગ કરી હતી. આ ધરણા અને રેલીમાં નગરસેવકો દીપકભાઈ
આહીર, યુવરાજાસિંહ વાઘેલા, મીનાક્ષીબેન
પ્રજાપતિ, હલીમાબેન ખત્રી, છાયાબા જાડેજા
ઉપરાંત હીરાભાઈ આહીર, શિવજીભાઈ આહીર, કૌશિકભાઈ
શાહ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. અંજારમાં વિકાસ માટે રસ્તા પાણી
તથા ગટર જેવી પાયાની સુવિધાઓ આપવી અને તેનું સુચારુ સંચાલન કરવું એ નગરપાલિકાની પ્રાથમિક
જવાબદારી છે. શહેરના મુખ્ય માર્ગોની સ્થિતિ ખરાબ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં માર્ગોની
મરંમત કરવામાં આવતી નથી. જેના કારણે લોકો તથા વેપારીઓને, વાહનચાલકોને
મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.