• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

કચ્છના 83 આયુષ્માન આરોગ્ય મંદિરોને મળ્યું રાષ્ટ્રીય પ્રમાણપત્ર

ભુજ, તા. 27 : કચ્છ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓની ગુણવત્તામાં વધારો કરવા અને નાગરિકોને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના 117 આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી કુલ 83 કેન્દ્રે એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ડિસેમ્બર-2025 દરમિયાન જિલ્લાના 117 સબ-સેન્ટર કક્ષાના આયુષ્માન આરોગ્ય મંદિરોને `રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી પ્રમાણપત્ર' (નેશનલ ક્વોલિટી એસ્યુરન્સ સ્ટાન્ડર્ડસ) અપાવવાના લક્ષ્યાંક સાથે આ કામગીરીની શરૂઆત કરાઇ હતી.  આ ઝુંબેશને સફળ બનાવવા માટે નિયમિત સાપ્તાહિક વીડિયો કોન્ફરન્સ મારફતે કામગીરીની સમીક્ષા કરાતી હતી. સ્ટાફને અઠવાડિયામાં બે વખત એનક્યુએએસના માપદંડો, ગુણવત્તા સુધારણા અને જરૂરી દસ્તાવેજીકરણ અંગે તાલીમ અપાઇ હતી.  એસેસમેન્ટના અંતે જિલ્લાના પસંદ કરાયેલા 117 આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી 42 આરોગ્ય કેન્દ્રોને ત્રણ વર્ષની માન્યતા ધરાવતું સંપૂર્ણ પ્રમાણપત્ર અને 41 કેન્દ્રને છ મહિનાની માન્યતા ધરાવતું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે, જ્યારે અન્યની કાર્યવાહી પ્રગતિમાં છે. આ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાથી આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા, ચેપ નિયંત્રણ, દર્દીઓની સુરક્ષા, સેવાઓની ઉપલબ્ધતા અને દર્દી-કેન્દ્રિત અભિગમ જેવા વિવિધ પાસાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે. સંપૂર્ણ પ્રમાણિત થયેલા કેન્દ્રોને સરકારના નિયમો મુજબ ગુણવત્તા જાળવણી માટેની ગ્રાન્ટ તથા ઇન્સેન્ટિવનો સીધો લાભ પણ મળશે. આ સિદ્ધિ પાછળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેષ ભંડેરીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રોગ્રામ ઓફિસરો, જિલ્લા ક્વોલિટી વિભાગના ડીક્યુએ ડો. અમીન અરોરા, દીપેન ગોર, તાલુકા હેલ્થ ઓફિસરો, રાજ્ય ઇન્ટરનલ એસેસરો, તાલુકા સીએચઓ નોડલ અને તમામ આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ-કર્મચારીઓએ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd