• ગુરુવાર, 29 ઑક્ટોબર, 2026

કચ્છમાં પશુઓની વસ્તી 21 લાખને પાર

પ્રિયેન અજાણી દ્વારા : ભુજ, તા. 27 : ભૌગોલિક દૃષ્ટિએ સૌથી મોટા જિલ્લા કચ્છમાં ખેતી પછી પશુપાલન એ ગ્રામીણ અર્થતંત્રનો મુખ્ય આધારસ્તંભ છે. કચ્છની માનવવસ્તી 2011ની સત્તાવાર જનગણના મુજબ આશરે 20.9 લાખ હતી, તેની સામે 2012માં થયેલી 19મી પશુ ગણતરી મુજબ કચ્છ જિલ્લામાં કુલ પશુઓની સંખ્યા આશરે 19.7 લાખ હતી. હવે 2026માં માનવવસ્તી વધીને આશરે 29 લાખ હોવાનો અંદાજ છે તેમ પશુઓની વસ્તીમાં પણ વધારો નોંધાયો છે, જે હવે અંદાજિત 21,04,554ના આંકે પહોંચી છે. જિલ્લાના મુખ્ય મથકે સરકારી પશુ સારવાર કેન્દ્રની સુવિધા છે. શહેરના ભાનુશાળીનગરમાં આવેલા રિલાયન્સ મોલની સામે `સરકારી પશુ ચિકિત્સાલય'માં વર્ષોથી પશુ સારવાર કરાય છે, અહીંની જૂની બિલ્ડિંગને તોડીને નવું માળખું ઊભું કરવાનો પ્લાન ઘડાઇ રહ્યો છે. તે દરમ્યાન આ જ પરિસરમાં નવી બિલ્ડિંગ બની છે તેમાં હાલ લેબોરેટરી કાર્યરત છે. હોસ્પિટલમાં કાર્યરત વેટરનરી ઓફિસર ડો. કુલદીપ છાપારે `કચ્છમિત્ર'ને જણાવ્યું હતું કે, અહીં પાલતુ પ્રાણીઓ સાથે મોટા પશુઓની તબીબી સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ છે. સુવિધાઓની વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અહીં સામાન્ય તબીબી સારવારમાં ઓપીડી સેવાઓ તેમજ વિવિધ બીમારીઓ જેમ કે, તાવ, પેટનો દુખાવો (ગેસ્ટ્રોએન્ટેરાઇટિસ), ચામડીના રોગો અને પ્રાણીઓમાં થતા ચેપ જેવી સ્થિતિઓ માટેની પ્રાથમિક અને અદ્યતન સારવારનો સમાવેશ થાય છે. નિયમિત રસીકરણ યોજાય છે. પાલતુ કૂતરાં અને બિલાડીઓ માટે એન્ટિ-રેબીઝ રસી ફરજિયાતપણે અપાય છે. લોહી અને મળની તપાસ માટે પ્રાણીઓમાં આંતરિક પરોપજીવીઓ (કૃમિ) અને લોહીની ઉણપની તપાસ કરવા માટે પેથોલોજી લેબનો આધાર લેવાય છે. બીમારીને કારણે મૃત્યુ પામેલા પશુઓનાં મૃત્યુનું ચોક્કસ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની વ્યવસ્થા કરવા આ સ્થળેથી માર્ગદર્શન મળી રહે છે. અહીં મંજૂર મહેકમ સંખ્યા ચાર છે. અહીં બકરા ઉછેર કેન્દ્રમાં રેગ્યુલર ફરજ બજાવતા ડો.ગિરીશ પરમાર ઇન્ચાર્જ આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે છે, વેટરનરી ઓફિસર તરીકે ડો.કુલદીપ છાટપાર, તેમને   ભલે તે માટે હવે અલગ સ્ટાફ ફાળવાયેલો હોય છે પરંતુ જવાબદાર અધિકારી તરીકે તેમની સહી થતી હોવાથી કાગળના કામકાજમાં સારો એવો સમય વીતી જાય છે. દરમ્યાન, સૂત્રોએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ડો. કુલદીપ અને તેમની ટીમની કામગીરી સંતોષજનક છે પરંતુ હોસ્પિટલમાં પૂરતી સુવિધા અને દવાઓનો અભાવ નડે છે. જો કે, તેમાં એક્સ-રે મશીન વર્ષોથી બંધ પડ્યું છે અને દવાઓનો જથ્થો હંમેશાં અપૂરતો રહે છે. તેથી બહારથી જરૂરી ઇન્જેક્શનો લાવવા માટે ગાંઠના પૈસા ખર્ચવા પડે છે. આ બાબતે ડોક્ટરને પૂછતાં જણાવ્યું હતું કે, ક્યારેક સરકારના નિયામાનુસાર તે દવાઓ હોસ્પિટલમાં આવવાની બાકી હોય કે જથ્થો પૂરો થઇ ગયો હોય કે મળવાપાત્ર ન હોય ત્યારે જ્વલ્લેજ આવું થાય છે. - જિલ્લામાં પશુધનની સંખ્યા વધવા સાથે ઊંટની ઘટતી સંખ્યાએ ચિંતા વધારી : ભારત સરકારની અંતિમ  સત્તાવાર પશુગણતરી મુજબ કચ્છ જિલ્લામાં વિવિધ પશુઓની શ્રેણીબદ્ધ સંખ્યામાં થયેલા બદલાવમાં મુખ્ય પશુઓ જેવા કે ગાય, ભેંસ, ઘેટા-બકરા અને અન્ય પશુધનની અગાઉની ગણતરી અને હાલે ઉપલબ્ધ ડેટાને સરખાવતાં બે પશુગણતરી દરમિયાન કચ્છ જિલ્લાના મુખ્ય પશુધનની વસ્તી ગણતરીની મુખ્ય વિગતોનું વિશ્લેષણ કરતાં જણાયું હતું કે, ગાયોની સંખ્યા પહેલાં લગભગ 4.9 લાખ હતી જે હવે આશરે 5,83,420 છે, આમ કચ્છ જિલ્લામાં કાંકરેજ અને દેશી ગાયોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે સ્થાનિક દૂધ ઉત્પાદન ક્ષેત્રે પશુપાલકોની વધતી પ્રગતિ દર્શાવે છે. કચ્છની બન્ની ભેંસની સંખ્યા પહેલાં 3.1 લાખ હતી તેમાં વૃદ્ધિ થતાં હાલમાં કચ્છમાં અંદજિત 3,75,409 ભેંસ છે. બન્ની વિસ્તારમાં માલધારીઓ દ્વારા ભેંસ પાલન એ મુખ્ય વ્યવસાય છે. અહીં પહેલાં બકરાં 3.9 લાખ હતા અને હવે તે આશરે 4,01,29 છે. જયારે ઘેટાં અંદાજે 5.9 લાખ હતા જે અત્યારે લગભગ 5,5,912 છે. આ ઘેટાં-બકરાં ઊન અને માંસ ઉદ્યોગ સાથે જોડાયેલા પશુપાલકોની આજીવિકા પૂરી પાડે છે. કચ્છી ઊંટ (ખારાઈ ઊંટ સહિત)ની વસ્તી પહેલાં લગભગ 10,500 હતી જે હવે ઘટીને 7,967 છે તેમજ ગધેડા અને અન્ય પશુધનની સંખ્યા 12,487 છે. કચ્છમાં કુલ પશુઓની અંદાજિત વસ્તી 21,04,554 છે. આ વિગત દર્શાવે છે કે કચ્છમાં ડેરી ઉદ્યોગના વિકાસને કારણે દૂધાળા પશુઓ  જેમ કે ગાય અને ભેંસની સંખ્યામાં સારો એવો વધારો થયો છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd