નખત્રાણા, તા. 29 : ખેતીકામમાં યાંત્રિક ઓજારોના
થતા ઉપયોગથી બળદથી થતું ખેતીકામ બંધ થતાં નંદી રસ્તા પર રઝળતા થઇ ગયા. જીવદયા-ગૌવંશપ્રેમીઓ-દાતાઓના
સહયોગથી નખત્રાણામાં બે કરોડના ખર્ચે બે એકર જમીનમાં નંદી સેવા કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય
લેવાયો હતો. આ નંદી સેવા કેન્દ્રનું ભૂમિપૂજન ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે
કરાયું હતું. સહયોગી દાતા શાંતિભાઇ પાંચાણી તથા ચંદુભાઇ રૈયાણી (બેંગલોર)ના યજમાનપદે
આચાર્ય શાત્રી વિજયભાઇ ગોરે ભૂમિપૂજનવિધિ સંપન્ન કરાવી હતી. ગૌસેવા કેન્દ્ર નખત્રાણાના
પ્રમુખ નારાણભાઇ પૂંજાભાઇ માનાણી, મહામંત્રી
લાલજીભાઇ રામાણીના જણાવ્યા મુજબ ગૌસેવામાં કાર્યરત સંસ્થા દ્વારા એક અલગથી નંદીઘર બનાવવાના
પ્રયત્નો આદરવામાં આવ્યા હતા. ટ્રસ્ટીઓ દામજીભાઇ હળપાણી, બેચરભાઇ
સુરાણી, રિતેશભાઇ રામાણી, હીરાભાઇ,
મુખી વિશ્રામભાઇ છાભૈયા સહિત ગૌભક્ત દાતાઓએ હૈદરાબાદ, બેંગ્લોર, રાયપુર તેમજ સ્થાનિક દાતાઓ દ્વારા દાન આપી
આ પ્રકલ્પ પાર પડાયો છે. નંદી સેવા કેન્દ્ર સંકુલમાં ઘાસ ગોડાઉન, પાણી સંગ્રહનો ટાંકો, ઓફિસ રૂમ, પાણીના હવાડા, ડોમ શેડ સહિત સુવિધાઓ ઊભી કરવામાં આવશે
તેવું સંસ્થાન પ્રવક્તા ડાયાભાઇ સેંઘાણીએ વિગતો આપી હતી. ઉપસ્થિત ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ
જાડેજાએ નંદી સેવા કેન્દ્રને સરકાર દ્વારા મળવાપાત્ર પશુ સહાય યોજનાના લાભો અપાવવા
ખાતરી આપી હતી. પાલિકા પ્રમુખ વસંતભાઇ વાઘેલાએ જણાવ્યું હતું કે, નંદીગૃહનું નિર્માણ ઉમદા કાર્ય છે. આથી નગરની મોટી સમસ્યાનું નિવારણ થશે. પા.
ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, મોહનભાઇ લીંબાણી, વંદનાબેન, હંસાબેન રૈયાણી, મનન
લુહાર, બેચરભાઇ સુરાણી, દામજી હળપાણી,
ધરમશી કેશરાણી, બાબુભાઇ વેલાણી, હીરાભાઇ મુખી સહિત ઉપસ્થિત રહ્યા હતા.