• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

જનરલ હોસ્પિટલમાં આઠ કરોડની સરકારી દવાઓ આપવાનું બંધ

કિશોર ગોર દ્વારા : ભુજ, તા. 17 : અહીંની જિલ્લા કક્ષાની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ચાલતા અલગ-અલગ સરકારી કાર્યક્રમો હેઠળ વર્ષ 2026-27 માટે અંદાજે 8થી 8.50 કરોડની દવાઓનું વાર્ષિક માગણીપત્રક મંજૂર ન કરાતા ંગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન દ્વારા કોઈ પણ પ્રકારની દવા, ઈન્જેકશન, સર્જિકલ વગેરે આપવાનું બંધ કરાતાં પશ્ચિમ કચ્છ સહિત જિલ્લાના ગરીબ દર્દીઓને મળતી મફત દવાઓ પર બ્રેક લાગી છે. સરહદી અંતરિયાળ જિલ્લો વિશાળ વિસ્તારમાં ફેલાયેલો હોવાથી ભુજ સુધી સારવાર -દવા લેવા આવતા ગરીબ દર્દીઓને સરકારી કાર્યક્રમો હેઠળ દવાના અભાવે મુશ્કેલી વેઠવી પડતી હોવાની રાજ્યના આરોગ્ય અને તબીબી સેવાઓ (તબીબી વિભાગ)ને રજૂઆત કરાઈ છે. - ગરીબ દર્દીઓ દુ:ખી : ગરીબ દર્દીઓ ઉપરાંત બી.એસ.એફ., આર્મી, એરફોર્સના જવાનો, અધિકારીઓ પણ જી. કે. જનરલમાં સારવાર લેતા હોય છે. - પેરાપ્લેજિક ક્યાં જશે ? : વર્ષ 2001ના ભૂકંપમાં ઈજાગ્રસ્ત પેરાપ્લેજિક દર્દીઓને સારવાર અને ડ્રેસિંગ મટિરિયલ પૂરું પાડવામાં આવે છે. તે જીએમએસીસીએલ દ્વારા પૂરું પાડવાનું બંધ કરાતાં પેરાપ્લેજિક દર્દીઓ માટે હાલમાં તમામ સુવિધા બંધ જેવી છે. - ગંભીર કેસોમાં ચિંતા : હિમોફિલિયા જેવા ગંભીર રોગના દર્દીઓની સારવાર માટે હિમોફિલક ફેક્ટર 7, 8 અને 9ની જરૂરિયાત ઈમરજન્સીમાં રહેતી હોય છે. આ દવા (ઈન્જેક્શન) સમયસર ન મળવાને કારણે કાયમી અપંગતા આવવાની શક્યતાઓ રહેલી હોય છે. આવા ઈન્જેકશન એક મહિનો ચાલે તેટલા જ સ્ટોકમાં છે. હિમોફિલિયા ગુજરાત સોસાયટી સાથે સંકળાયેલા વિવકે યાદવે જણાવ્યું કે, કચ્છમાં 100થી વધુ દર્દીઓને મહિનામાં બેથી ત્રણ વખત ફેક્ટર લેવા પડે છે. ખાનગી મેડિકલમાં આ ફેકટરની કિંમત 40થી 50 હજાર જેટલી છે જે સરકાર ભોગવે છે. સામાન્ય ગરીબ દર્દીને આટલો ખર્ચ ભોગવવાનો આવે તો વેઠવો અસંભવ બને. મોટા ભાગે વંશાનુગત બીમારીમાં વાગવાથી લોહીનું વહેવું બંધ નથી થતું તેથી ઓન ડિમાન્ડ ઈમરજન્સીમાં ફેકટર લેવા પડે છે. કચ્છમાં એકમાત્ર ભુજમાં જ ઈન્જેકશન હોય છે. તેમણે વહીવટી કામમાં ત્રણથી ચાર કલાકનો સમય વેડફાતો હોવા બાબતે નારાજગી વ્યકત કરવા સાથે ખાસ વોર્ડની માંગ કરી હતી. જી.કે.માં પીડિયાટ્રિક વિભાગમાં રૂમ બનાવ્યો છે તેનો સ્ટાફ દર્દીને નસમાં ઈન્જેકશન આપે છે. - ચાર હજાર દર્દી : કેન્દ્ર સરકારના નોન કોમ્યુનિકેબલ ડિસીઝ (એનસીડી) પ્રોગ્રામ હેઠળ જી.કે. જનરલ હોસ્પિટલમાં પ્રેશર અને ડાયાબિટીસના ચાર હજારથી વધારે દર્દીઓ નોંધાયેલા છે. જેમને દર મહિનાની દવા એક સમયે અપાય છે. આ સારવાર લેતા સિનિયર સિટીઝન-ડાયાબિટીસના દર્દીઓના ગ્લુકોઝ ટેસ્ટિંગ માટે નિડલ તેમજ સારવાર માટે ઈન્સ્યુલીન ઈન્જેકશનની મોટા પ્રમાણમાં જરૂરિયાત રહે છે જે સમયસર ન મળવાથી તેમની પરિસ્થિતિ ગંભીર થઈ શકે છે. - હડકવાના ઇન્જેક્શન ? : હડકવાના ઈન્જેકશન તેમજ અન્ય જીવનરક્ષક દવાઓ પૂરી પાડવામાં ન આવતાં દર્દીઓને દવાના અભાવે  સારવાર આપી શકાતી નથી. તેમને 300થી 350 કિ.મી. દૂરના સેન્ટર પર રિફર કરવાની પરિસ્થિતિ સર્જાય છે. - હોર્મોન ઇન્જેક્શન નથી : ઉપરાંત બાળકોનો શારીરિક વિકાસ ન થતો હોય તો તેમને આપવાના ગ્રોથ હોર્મોન ઈન્જેક્શનની અછત સર્જાઈ છે. સિવિલ સર્જન દ્વારા આ બાબતે રજૂઆત કરાઈ છે. આ ઈન્ડેન્ટ મંજૂર ન થવાના કારણ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ફાઈલ કમિશનર ઓફિસમાં પડી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd