ભુજ, તા. 17 : જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ
કમિશને વીમા કંપનીની સેવામાં ખામી હોવાનું માની મેડિક્લેમની રકમ ચૂકવી આપવા હુકમ કર્યો
છે. આ કેસની વિગતો મુજબ મિરજાપરના ફરિયાદી પ્રવીણ રામજી હીરાણીએ પોતાના પરિવારની મેડિક્લેમની
ચાર લાખની પોલિસી સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્શ્યુરન્સ કંપની લિ. પાસેથી લીધી હતી. ફરિયાદીએ
અમદાવાદમાં ઓપરેશન કરાવ્યું હતું અને સારવાર પાછળ રૂા. 3,00,877નો ખર્ચ થતાં વીમા કંપનીને જાણ કરાઈ હતી. વીમા કંપનીએ પ્રપોઝલ ફોર્મમાં ખોટું વજન તેમજ સારવારના
દસ્તાવેજોમાં વિસંગતતા કારણો આગળ ધરી દાવો રદ કર્યો હતો. વીમા કંપનીના આ નિર્ણયથી નારાજ
થઈ નાછૂટકે ફરિયાદીએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ રજૂ કરી હતી અને
ચાલતા કામે ફરિયાદીનું અવસાન થતાં તેમના વારસોને રેકર્ડ પર જોડવામાં આવ્યા હતા. જિલ્લા
કમિશનના ઈન્ચાર્જ પ્રમુખ પી.વાય. જોશી તેમજ સભ્યોએ સારવાર પાછળ થયેલા ખર્ચના વળતર પેટે
રૂા. 2,63,672 ફરિયાદ અરજી દાખલ કર્યાની તારીખથી
નવ ટકા વ્યાજ સહિત તેમજ માનસિક ત્રાસના વળતર અને ફરિયાદ ખર્ચ રૂા. 15 હજાર ચૂકવી આપવા વીમા કંપનીને
હુકમ કર્યો છે. ફરિયાદી પક્ષે ધારાશાત્રી રાજેશ પ્રેમજી ઠક્કર, વિક્રમ કુમાર વાલજીભાઈ ઠક્કર, હાર્દિક એન. જોબનપુત્રા હાજર રહ્યા હતા. - વાહન સળગ્યાના
કેસમાં ક્લેમ નામંજૂરમાં ગ્રાહક કમિશન વહારે આવ્યું : સરમણ જેશા
જાટિયા (રે. મમુઆરા તા. ભુજ)ની માલિકીનું વાહન જે મેગ્મા એચ.ડી.આઈ. જનરલ ઈન્સ્યોરન્સ
કું. લિ. પાસે ફુલ્લ ઈન્સ્યોર્ડ હતું. આ વાહન તેમના ભાઈ મમુઆરાની સીમમાં આવેલા રત્નેશ્વર
માઈન્સમાંથી ચાઈનાક્લે ભરીને બહાર ખાલી કરી રહ્યા હતા ત્યારે રેતીનો પાછળથી ઠેલો લાગતાં
જેના લીધે વાહન ઉપર ઈલેક્ટ્રિક તારને અડી જતાં વાહનમાં આગ લાગી હતી, જેથી ડ્રાઈવર કૂદકો મારીને વાહનની બહાર નીકળી
ગયો હતો, જ્યારે વાહન આગમાં સંપૂર્ણ સળગી ગયું હતું. આ બાબતે
પોલીસ તથા વિમા કંપનનીમાં જાણ કરવામાં આવી
હતી. આ વિમા કંપનીએ વાહનનું ફિટનેશ પૂર્ણ થઈ ગયું હતું અને પરમિટ પણ પૂર્ણ થઈ
ગઈ હતી તેવા કારણોથી ક્લેમ નામંજૂર કર્યો હતો.
આથી સરમણભાઈએ વિમા કંપની વિરુદ્ધ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન-ભુજ સમક્ષ ફરિયાદ
દાખલ કરી હતી, જેથી કમિશને સરમણભાઈની ફરિયાદ મંજૂર કરતો હુકમ
કરી વિમા કંપનીને વાહનના નુકસાનીના રૂા. 15,93,406 અરજી તારીખથી 9 ટકા વ્યાજ સહિત ચૂકવી આપવાનો હુકમ કરી શારીરિક માનસિક ત્રાસના
તથા અરજી ખર્ચના રૂા. 12,500 વિમા
કંપનીએ સરમણભાઈને ચૂકવી આપવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં સમરણભાઈના વકીલ તરીકે એડવોકેટ
વિશાલ બી. મકવાણા, સાજીદ આઈ.
તુરિયા, ચૂનીલાલ એલ. લોંચા, જે.જે. મહેશ્વરી,
એમ.એ. કુંભાર અહેમદ જી. સમેજા, મમતા આર. વરચંદ
હાજર રહ્યા હતા. - દત્તક પુત્રીના
આધારે માલિકી હક્ક મેળવવાની અપીલ રદ : અંજાર તાલુકાના
નાગલપર મોટીની સીમના રે.સ.નં. 138/2/પૈકી ર તથા
રે.સ.નં. 138/3/પૈકી 3વાળી ખેતીની જમીનો જયશ્રીબેન કેશવજી ભચુ
વેગડ (રહે. અંજાર)એ ભરત કાંતિલાલ વેગડ, ચંદ્રકાંત કાંતિલાલ વેગડ, પ્રવીણ કાંતિલાલ વેગડ (રહે.
નાગલપર)વાળા વિરુદ્ધ કેશવજી ભચુ વેગડ અને મુકતાબેન કેશવજી વેગડે કરી આપેલી બક્ષિસના
દસ્તાવેજો રદ કરવા અને કેશવજીની મિલકતના દત્તક પુત્રી તરીકે માલિકી હક્ક મેળવવા અંગેનો
દિવાની દાવો ટ્રાયલ કોર્ટમાં નામંજૂર થતાં અપીલ દાખલ કરી હતી. જયશ્રીબેનને કોર્ટે કેશવજી
અને મુકતાબેનના દત્તક પુત્રી માન્યા નથી તેમની મિલકતોમાં જયશ્રીબેનનો કોઈ હક્ક કે અધિકાર
નથી તેવું માની ટ્રાયલ કોર્ટનો દાવો નામંજૂર કરતો ચુકાદો કાયમ રાખી અંજારના ચોથા એડિશનલ
ડિસ્ટ્રીક્ટ જજ જે.એલ. ચોવાટિયાએ અપીલ ખર્ચ સહિત ડીસમીસ કરવાનો હુકમ કર્યો છે. આ કેસમાં
રિસ્પોન્ડન્ટસ ભરત, ચંદ્રકાંત અને પ્રવીણ કાંતિલાલ વેગડ (રહે.
નાગલપર) તરફે દિનેશ જે. રાવલ, શૈલેષ સી. હર્ષ હાજર રહ્યા હતા.