ગાંધીધામ, તા. 17 : કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામ
ખાતે વિવિધ સેવાકીય કાર્યો અને દીપોત્સવ સહિતના
કાર્યક્રમોનું આયોજન કરી વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગાંધીધામ મહાનગરપાલિકા
અને શહેર તાલુકા ભાજપ દ્વારા વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કરુણા વિહાર કન્યાસદન અને હરિઆશરો ટ્રસ્ટ ખાતે
ભોજન પીરસવામાં આવ્યું હતું. મહાપાલિકા દ્વારા આંબેડકર હોલ ખાતે અને પંચમુખા હનુમાન
મંદિર ખાતે દીપોત્સવનું આયોજન કરાયું હતું.
બંને સ્થળે 11 હજારથી વધુ દિવડા પ્રગટાવવામાં
આવ્યા હતા. આ વેળાએ ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, મેયર દિવ્યાબેન નાથાણી, ડેપ્યુટી મેયર નવીન જરૂ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેજસ શેઠ, શહેર ભાજપ પ્રમુખ
કલ્પેશ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા,
મહેન્દ્ર જુણેજા, પંચમુખા હનુમાન મંદિરના મહંત
પ્રકાશાનંદજી મહારાજ વિગેરે ઉપસ્થિત રહ્યા
હતા.ગાંધીધામ ચેમ્બર ભવન ખાતે વડાપ્રધાનના
જન્મદિવસ અને જાહેર જીવનના 25 વર્ષના ઉપલક્ષમાં દીપ પ્રાગટય સાથે રાષ્ટ્રભાવના,
સેવા અને સંકલ્પના પ્રકાશથી પરિસર
ઝળહળી ઊઠયું હતું. ચેમ્બર પ્રમુખ તેજાભાઈ કાનગડે જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન નેતાના જન્મદિવસની ઉજવણી પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિકાસ સેવા, સ્વચ્છતા આત્મનિર્ભરતા અને રાષ્ટ્ર પ્રત્યેની સમર્પિત
જીવનયાત્રાને વંદન કરવાનો દિવસ છે. વડાપ્રધાનના સ્વચ્છ ભારત અભિયાનને ચેમ્બરે સામાજિક જવાબદારી તરીકે સ્વીકાર્યું હોવાનું જણાવ્યું
હતું. આ વેળાએ માનદમંત્રી મહેશ તીર્થાણી, સહમંત્રી જતિન અગ્રવાલ, ખજાનચી કૈલેશ ગોર, પૂર્વ પ્રમુખ મહેશ પુજ તેમજ કારોબારી સભ્યો ઉપસ્થિત
રહ્યા હતા.