• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

ભૂતિયાં પાણીનાં જોડાણો કાયદેસર કરાવો

ગાંધીધામ, તા. 17 :  ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં વર્ષ 2011 મુજબ 2,47,000ની વસ્તી છે. મહાનગરપાલિકા માટેની દરખાસ્ત સહિતની કાર્યવાહી દરમિયાન જે ડેટા સરકારમાં મોકલવામાં આવ્યો હતો તેમાં 2024માં 4.40 લાખની વસ્તી દર્શાવવામાં આવી છે. તે વચ્ચે જોડિયા શહેરોમાં 62 હજાર મિલકતની સામે માત્ર 29,400ની આસપાસ પાણીનાં જોડાણો છે. મિલકતો કરતાં અડધા પણ પાણીનાં જોડાણો નથી, તો ગ્રામીણ વિસ્તારમાં મિલકતો જેટલા જોડાણો છે. મહાનગરપાલિકાના 188 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ભૂતિયા કનેક્શનની માયાજાળ ગુથાંયેલી છે, હવે આ કનેક્શનનો 15 ઓક્ટોબર સુધી નિયમિત નહીં કરવામાં આવે, તો કોર્પોરેશન પેનલ્ટી અને દંડનીય કાર્યવાહી કરશે તેવી ચેતવણી આપવામાં આવી છે. કોર્પોરેશન વિસ્તારમાં લગભગ દોઢ લાખની આસપાસ મિલકતો હોવાનો અંદાજ છે તેની સામે ચોપડા ઉપર શહેરી વિસ્તારમાં 62000 અને ગ્રામીણ વિસ્તારમાં 44,000ની આસપાસ મિલકતો નોંધાયેલી છે. કુલ 1,06,000થી મિલકતની સામે લગભગ 78,422ની આસપાસ પાણીનાં જોડાણો છે. મહાનગરપાલિકા અને ગ્રામીણ વિસ્તારના કર્મચારીઓની મિલીભગતથી ભૂતિયા પાણીનાં જોડાણ લેવાયાના ગંભીર આક્ષેપો છે, હવે મહાનગરપાલિકાએ જાહેર નોટિસના માધ્યમથી જે મિલકતધારકોએ ગેરકાયદે પાણીનાં જોડાણો મેળવ્યાં છે તેમણે 1000નો દંડ ભરીને જોડાણ નિયમિત કરાવી લેવાનું કહ્યું છે અને જો 15/10/2026 સુધીમાં જોડાણો નિયમિત નહીં કરાવવામાં આવે, તો તા. 16/10થી તમામ અનિયમિત પાણીના જોડાણો કાપીને પેનલ્ટી સાથે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી આપી છે, હવે અગાઉ જે કર્મચારીઓની મિલીભગતથી ગેરકાયદે જોડાણો લેવાયેલાં છે તે જ કર્મચારીઓ જોડાણો કાપવા જશે તેવા ગંભીર આક્ષેપો સાથે સવાલો જાગૃત નાગરિકો દ્વારા ઊઠાવવામાં આવી રહ્યા છે. કોર્પોરેશન વિસ્તારમાં મિલકત આકરણી કરવી જરૂરી છે અને તેની સાથે સાથે પાણીના જોડાણોની તપાસ થવી આવશ્યક છે. દોઢ લાખની આસપાસની મિલકતો હોવાનો અંદાજો છે તેવામાં જો મિલકત આકરણી કરીને પાણીના જોડાણોની તપાસ થાય, તો તિજોરીમાં સારી એવી આવક થવાની પણ સંભાવના છે. હવે તંત્રની આ ચેતવણી પછી કેટલા જોડાણો નિયમિત થાય છે તે જોવાનું રહ્યું છે અને ત્યારબાદ ત્યારથી કાર્યવાહી કરવામાં આવે તેના ઉપર બધાની નજર છે. - ગાંધીધામમાં 3000 ભૂતિયા કનેક્શન : ગાંધીધામ મહાનગર-પાલિકાના ચોપડા ઉપર 3000 ભૂતિયા પાણીનાં જોડાણો બોલે છે, જેમની પાસેથી 500નો પાણીવેરો વસૂલવાનો છે. અગાઉ તત્કાલીન સમયની નગરપાલિકાના મુખ્ય અધિકારીએ 40 કરોડના વેરાની રિકવરી કરવાના બદલે 3000 ભૂતિયા કનેક્શન પાસેથી 500-500 રૂપિયાની વસૂલાત માટે લગભગ 20 કર્મચારીને કામગીરી સોંપી હતી અને લગભગ સાડા ચારથી પાંચ લાખથી વધુની આવક થઈ હતી. ખરેખર આ પાણીના જોડાણો ચોપડા ઉપર લઈને તેમની પાસેથી દર વર્ષે નિયમિત પાણી વેરો વસૂલવો જરૂરી છે ભૂતિયા કનેક્શન પાસેથી એક વખત જ 500-500 રૂપિયા વસૂલવા માટેની કાર્યવાહી થઈ હતી ત્યારબાદ હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. - બોરીચી - કુંભારડીમાં 3500 મિલકત સામે 20 હજાર પાણી જોડાણ : મહાનગરપાલિકામાં સમાવેશ થયેલા મેઘપર બોરીચી અને મેઘપર કુંભારડીમાં મિલકતો કરતા છ ઘણા વધારે પાણીના જોડાણો છે. પંચાયતના રેકર્ડ સોંપણી પછીના આંકડા મુજબ 3,500 મિલકત છે તેની સામે 19,999 પાણીના જોડાણો છે. આ તમામ જોડાણોનો પાણી વેરો આવે છે કે નહીં તે સહિતના પણ સવાલો છે. મેઘપર બોરીચી અને તેની સોસાયટી વિસ્તારોમાં મિલકતોને આકારણી અને પાણીના જોડાણોની તપાસ જરૂરી છે.   

Ram Katha

Vyapar Utsav

Panchang

dd