ભુજ, તા. 17 : માંડવી તાલુકાના શિરવામાં ઘરમાં
ઘૂસેલા કોઈ ચોર ઈસમે રૂા. 9,00,000ના
સોનાના દાગીના ચોરી કર્યા હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે નોંધાઈ હતી. પોલીસે
આપેલી વિગતો મુજબ, ખેડૂત એવા
ફરિયાદી હીરજી લાલજી હાલાઈએ નોંધાવેલી ફરિયાદમાં લખાવાયેલી વિગતો મુજબ, શિરવાના શિવમ અસ્તુ પાછળ આવેલા વાડી વિસ્તારમાં સ્થિત ફરિયાદીના રહેણાક મકાનમાં
ગત તા. 23-8ના સવારથી બપોરના અરસામાં તથા
તા. 1-9થી 2-9 દરમિયાન ચોરીનો આ બનાવ બન્યો
હતો. નજર ચૂકવી ઘરમાં ઘૂસેલા કોઈ ચોર ઈસમે ફરિયાદીના પત્નીના રૂમમાં ગાદલા નીચે રાખેલું
સોનાનું મંગળસૂત્ર તથા અન્ય રૂમમાં આવેલા લોખંડના કબાટમાં રાખેલું સોનાનું મંગળસૂત્ર
એમ કુલ બે દાગીના જેનું કુલ વજન આશરે 90 ગ્રામ કિં. રૂા. 9,00,000ની ચોરી કરી હતી. માંડવી પોલીસે આ મામલે અજ્ઞાત શખ્સ વિરુદ્ધ
ફરિયાદ નોંધી ચોરી અંગેના આ બનાવને અંજામ આપનાર કોઈ જાણભેદુ છે કે પછી કોઈ ચોર ટોળકી
આ વાડી વિસ્તારમાં સક્રિય થઈ છે તે દિશામાં છાનબીન કરવા સહિતની તપાસ હાથ ધરી છે.