• શુક્રવાર, 18 સપ્ટેમ્બર, 2026

રવમાં યુવાનની હત્યાના કેસમાં બેને જેલ

ગાંધીધામ, તા. 17 : રાપરના નાની રવ ગામે 2023માં બનેલા હત્યાના કેસમાં મચાઉ સેશન્સ કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. પત્ની પર ખરાબ નજર, ગાળો બોલવાની બાબતે થયેલી તકરારમાં યુવકને ધોકા, ઢીકાપાટુનો માર મારી મોતને ઘાટ ઉતારવાના બનાવમાં અદાલતે બે આરોપીઓને કસૂરવાન ઠેરવી એકને સાત તથા બીજાને ચાર વર્ષની સખત કેદનો ચુકાદો આપ્યો હતો. ગાંધીધામની શંકર પ્લાયવૂડ કંપનીમાં સાથે કામ કરતા કરણ કાનજી અકિયાણી (કોળી) અને હેમંત પ્રતાપ મહાલિયા (કોળી) વચ્ચે ઓળખાણ થઇ હતી. 2023 જૂનમાં કરણ પોતાના વતન નાની રવ ગામે જતો હોઇ હેમંત પણ તેની સાથે આવ્યો હતો. રાત્રિરોકાણ દરમ્યાન હેમંત કરણની પત્ની પર ખરાબ નજર નાખતાં કરણે ના પાડતાં તેને ગાળો આપી હતી. બંને વચ્ચે ઝઘડો થયો હતો. બાદમાં ગામના તળાવ પાસે બંને બેઠા હતા, ત્યારે કરણનો મિત્ર બાબુ રાણા રાઠોડ પણ ત્યાં આવી પહોંચ્યો હતો. હેમંતે ફરીથી કરણની પત્ની વિશે ખરાબ શબ્દો બોલતાં ઉગ્ર બોલાચાલી બાદ ગુસ્સામાં આવેલા કરણ અને બાબુએ હેમંતને માર મારવાનું શરૂ કર્યું હતું અને મારતાં-મારતાં ઘરે લઇ ગયા હતા, ત્યાં બંનેએ હેમંત ઉપર લાકડી, ધોકા તથા ઢીકાપાટુથી હુમલો કર્યો હતો, જેમાં તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આરોપીઓ તેને ઘરબહાર પતરાવાળી છાંયડીમાં ફેંકીને ફરાર થઇ ગયા હતા. 108 બનાવ સ્થળે પહોંચતાં આ યુવાનને મૃત જાહેર કર્યો હતો. મૃતકના ભાઇ વિક્રમ પ્રતાપ મહાલિયાએ રાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં બંને આરોપીની અટક કરાઇ હતી. આ કેસ ભચાઉની અધિક જિલ્લા એન્ડ સેશન્સ જજ બી.એલ. ચોથાણીની કોર્ટમાં ચાલી ગયો હતો, જ્યાં સરકારી વકીલ ડી.એસ. જાડેજાની ધારદાર રજૂઆતો, એફ.એસ.એલ. અહેવાલ, પુરાવા ગ્રાહ્ય રાખી ન્યાયાધીશે આ બંને આરોપીઓને તકસીરવાન ઠેરવ્યા હતા. અને કરણને સાત વર્ષની સખત સજા તથા જુદી-જુદી કલમો હેઠળ કુલ રૂા. 6000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ સજા તથા બાબુ રાઠોડને ચાર વર્ષની સખત કેદ અને જુદી-જુદી કલમો તળે કુલ રૂા. 6000નો દંડ તથા દંડ ન ભરે તો વધુ સજાનો ચુકાદો આપવામાં આવ્યો હતો. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd