જિજ્ઞેશ આચાર્ય દ્વારા : ગઢશીશા (તા. માંડવી), તા. 2 : તાલુકાના
રાજડા ટેકરી વિસ્તારમાં ચરિયાણ અર્થે ગયેલા ઊંટો પૈકી 20 જેટલા ઊંટનાં મોત થઈ જતાં અરેરાટી
ફેલાઈ છે, તો
આ બનાવનાં પગલે તબીબોની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ હતી. આ દુ:ખદ ઘટનાથી માલધારી માથે
દુષ્કાળમાં આફતનું આભ ફાટયું જેવી સ્થિતિ સર્જાઈ છે. માંડવી તાલુકાના જગપ્રસિદ્ધ યાત્રાધામ
રાજડા ટેકરી વિસ્તારમાં મૂળ દેવપર (ગઢ)ના ચનાભાઈ ગાભાભાઈ રબારી અને મૂળ સણોસરાના હાલે
દેવપર (ગઢ)ના ખેંગારભાઈ રાણાભાઈ રબારી નામના
માલધારી પોતાના ઊંટના ધણને ગાંધીગ્રામ અને રાજડા ટેકરી વિસ્તારમાં ચારિયાણ માટે
લઈ ગયા હતા ત્યાં કોઈ અખાદ્ય વનસ્પતિ ખાઈ જવાથી અથવા તો ઝેરી કેમિકલ કે દવાવાળું પાણી પી જવાથી નાના-મોટા
18 જેટલા ઊંટ મોતના મુખમાં ધકેલાતાં
સમગ્ર પંથક, જિલ્લા તથા માલધારી વર્ગમાં
અરેરાટી વ્યાપી છે અને ઊંટોનાં મોતનું રહસ્યમય કારણ જાણવા પ્રયત્નો હાથ ધરાયા છે,
તો હજી બુધવાર સાંજ સુધી છ જેટલા ઊંટોને સારવાર આપવામાં આવી રહી છે.
ઘટનાસ્થળની જાત મુલાકાત દરમ્યાન જાણવા મળ્યું હતું કે, સોમવારથી
મંગળવાર રાત્રિ દરમ્યાન ઊંટો કોઈ ઝેરી વનસ્પતિ અથવા ઝેરી પાણીનો ભોગ બન્યા છે તેવું
પ્રાથમિક તારણ કાઢવામાં આવ્યું છે. બનાવની જાણ થતાં માકપટ વિસ્તાર ઊંટ ઉછેરક માલધારી
સહકારી મંડળીના પ્રમુખ આશાભાઈ પાલાભાઈ રબારી તાત્કાલિક બનાવનાં સ્થળે પહોંચ્યા હતા
અને તબીબી ટીમને જાણ કરવા સાથે તેમણે માંડવી
વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે તથા સહકારી મંડળીના મોવડી વલમજીભાઈ હુંબલને
જાણ કરી હતી, તો ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ બનાવની ગંભીરતા સમજી તાત્કાલિક
જિલ્લામાંથી વિવિધ જગ્યાએથી તબીબોની ટીમ રાજડા ટેકરી વિસ્તારમાં બનાવ સ્થળે પહોંચે
તેવા પ્રયત્નો હાથ ધરી ગંભીર હાલતના ઊંટોની સારવાર શરૂ કરાવવા સાથે માલધારીઓને યોગ્ય
વળતર મળે તેવા પ્રયત્નો હાથ ધરવા હૈયાધારણ આપી હતી. તો વલમજીભાઈ હુંબલે પણ દુ:ખની લાગણી
વ્યક્ત કરી માલધારીઓને યોગ્ય વળતરની વાત કરી હતી. તો રાજડા ટેકરીના મહંત અને જીવદયાના
હિમાયતી પૂ. અર્જૂનનાથજી બાપુએ પણ ઊંટના ટપોટપ મોત બદલ દુ:ખની લાગણી વ્યકત કરી અને
મોત પાછળનું ખરું કારણ જાણી અને માલધારી વર્ગને યોગ્ય વળતર મળે તે માટે જણાવ્યું હતું.
બીમાર ઊંટોની સારવાર માટે તથા મૃત ઊંટોના પોસ્ટમોર્ટમ માટે જિલ્લા મુખ્ય પશુ અધિકારી
આર. કે. પટેલની સૂચનાથી પશુ તબીબોની ટીમ ડો. કમલેશ હડિયા, ડો.
જે.કે. પટેલ, ડો. એસ.એસ.પંડયા, ડો.વિજય
પાટિલ, ડો. દીક્ષિત પરમાર, ડો.ધવલ દેસાઈ,
ડો. પલક વૈદ્ય, વિક્રમભાઈ બારડ, સૂરજભાઈ, અલ્પેશભાઈ, રોહિતભાઈ,
મયૂરભાઈ, આશિષભાઈ વિગેરે તબીબો જોડાયા હતા. તો
કચ્છ જિલ્લા ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રામાભાઈ રબારી (ભોપાવાંઢ),
પનાભાઈ રબારી (દેવપર ગઢ), જીવાભાઈ રબારી,
રામાભાઈ રબારી (ભોપા વડવા), સોનાભાઈ રબારી (ભોપા-વડવા),
ભીમાભાઈ રબારી (ફિલોણ) વિગેરે રબારી સમાજના આગેવાનો તથા માલધારીઓ ઘટનાસ્થળે
પહોંચ્યા હતા. ઊંટોનાં મોતનું
ખરું કારણ પી.એમ. રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, માલધારી વર્ગનું જીવનનિર્વાહનું મુખ્ય સાધન
જ જાણે છીનવાઈ ગયું હોતાં દુષ્કાળમાં જાણે આફતનું આભ ફાટયું હોય તેવી દુ:ખની લાગણી
જોવા મળી હતી.