ગાંધીધામ, તા. 2 : મુંદરા પોર્ટથી ઓરિસ્સા ખાતે
બીટયુમીન (ડામર) ખાલી કરાવવાનું કહી વાહનનું ભાડું ન આપતા અમદાવાદના શખ્સ સામે રૂા.
7,97,798ની છેતરપિંડીની ફરિયાદ પોલીસ
ચોપડે ચડી હતી. શહેરનાં અપનાનગરમાં રહી કચ્છ આર્કેડ પ્લેટીનિયમ ખાતે ચૌધરી લોજિસ્ટીક
નામની ટ્રાન્સપોર્ટ પેઢી ચલાવતા સુરેશ જયસિંઘ ચૌધરીએ આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ
નોંધાવી હતી. ફરિયાદી ગત તા. 8-4-2025ના
પોતાની ઓફિસે હતા ત્યારે અજાણ્યા નંબરથી ફોન આવ્યો હતો., આ શખ્સે પોતાની ઓળખ મહાદેવ માર્કેટીંગના માલિક
હરેશ પંડયા તરીકે આપી પરશુરામ શર્માએ તમારા નંબર આપ્યા હોવાનું કહ્યું હતું. અને મુંદરા
પોર્ટથી ઓરિસ્સાના કિન્જોર ખાતે બીટયુમીન (ડામર) પહોંચાડવાનો ઓર્ડર આપ્યો હતો. ફરિયાદીને
વિશ્વાસમાં લીધા બાદ ફરિયાદીએ મુંદરા ખાતે ચાર ગાડીમાં 166.630 ટન બીટયુમીન ભરાવી ઓરિસ્સા
ખાતે પહોંચાડી આપ્યો હતો. બાદમાં ફરિયાદીએ ભાડા પેટે નીકળતા રૂા. 7,97,798 માંગતા આ શખ્સે વાયદા કર્યા
હતા. બાદમાં પરશુરામ શર્માનો સંપર્ક કરતા તેમણે ઓરિસ્સાની કંપનીનો સંપર્ક કરવા કહ્યું
હતું આ કંપનીએ હરેશ પંડયાને ભાડુ આપી દીધું હોવાનું બહાર આવ્યું હતું. બાદમાં રૂબરૂ
આ અમદાવાદી પાસે ભાડાના રૂપિયા લેવા જતા તેણે ના પાડી દીધી હતી આ બનાવ અંગે પોલીસે
ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.