ભુજ, તા. 2 : કચ્છમાં સાતમ-આઠમના પર્વે વરસાદ
વરસવાની શક્યતા ધૂંધળી હોવાનું હવામાન વિભાગના વર્તારામાં જણાવાયું છે. હવામાન વિભાગની
આ આગાહીનાં કારણે લોકો મનભરીને મેળાની મોજ માણી શકશે. રાજ્યની સાથે કચ્છમાં હળવો વરસાદ
વરસવાની આગાહી કરાઈ છે, પણ તેની શક્યતા
ખૂબ ઓછી હોવાનું વર્તારામાં જણાવાયું છે. આભમાં વાદળોની હાજરી છેલ્લા કેટલાક દિવસોથી
ઘટતાં મહત્તમ પારો ઊંચકાયો છે જેના લીધે વાતાવરણમાં ઉકળાટનો પ્રભાવ જળવાયેલો રહ્યો
છે. 35 ડિગ્રી મહત્તમ તાપમાને અંજાર-ગાંધીધામ
રાજ્યનું પ્રથમ, તો ભુજ 34.5 ડિગ્રીએ બીજા નંબરનું ગરમ મથક
બન્યું હતું. નલિયા અને કંડલા પોર્ટમાં અનુક્રમે 32.8 અને 34 ડિગ્રી મહત્તમ
તાપમાન સામે લઘુતમ પારો 26થી 27 ડિગ્રી નોંધાયો હતો. વહેલી
સવારે અને રાત્રિના ભાગે આકાશમાં વાદળોની હાજરી સાથે સરવડિયાં વરસતાં જમીન ભીંજાય છે, તેને બાદ કરતાં જિલ્લામાં સૂકો માહોલ રહેતાં
ખાસ કરીને ખેડૂતો - પશુપાલકોની ચિંતા વધુને વધુ વિકટ બની રહી છે.