જયદીપ જોશી દ્વારા : ભુજ, તા. 10 : મોબાઇલ ફોન હવે માત્ર વાતચીતનું
સાધન નહીં, પરંતુ રાજિંદા જીવનનો અભિન્ન
ભાગ બની ગયો છે. જો કે, છેલ્લા એક વર્ષથી મોબાઇલ બજારમાં એક ચિંતાજનક
વલણ જોવા મળી રહ્યું છે. રૂા. 1,200ના ફીચર ફોનથી લઈને રૂા. 1.5 લાખના ફ્લેગશિપ સ્માર્ટફોન સુધી અનેક મોડેલોના ભાવમાં તબક્કાવાર
વધારો નોંધાઈ રહ્યો છે.
એઆઈ-મેમરી ચિપની માંગ વધી
ભાવમાં થઈ રહેલો આ વધારો હવે માત્ર ટેક્નોલોજી બજારનો મુદ્દો
રહ્યો નથી; તે ગ્રાહક વર્ગ માટે સીધી
ચિંતા બની ગયો છે. સામાન્ય ગ્રાહકોમાં એવી માન્યતા છે કે મેમરી ચિપ મોંઘી થઈ હોવાથી
ફોન મોંઘા થયા છે, જ્યારે ટેક્નોલોજી વિશ્લેષકોનું માનવું છે
કે, સમગ્ર વિશ્વમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ માટે ઊભી થયેલી ચિપ્સની
અભૂતપૂર્વ માંગ સૌથી મોટું કારણ છે.
મિડરેન્જના સ્માર્ટફોન હવે સપનું
ભુજમાં ગુરુ મોબાઈલના કમલેશભાઈ ગોસ્વામી કહે છે કે, હજુ થોડા સમય પહેલાં સુધી મધ્યમ વર્ગના લોકોને
પરવડે તેટલા બજેટમાં (મિડરેન્જ) એક સ્માર્ટફોન મળી રહેતા હતા. 15થી 25 હજારની રેન્જના આ ફોનમાં સારા કેમેરા, સ્ટોરે અને બેટરી જેવી પાયાની સારી સુવિધા મળી
રહેતી હતી, પરંતુ હવે અમુક મોડેલ્સમાં બમણાથી પણ વધુ ભાવ વધ્યા
હોવાથી મિડરેન્જ તો જાણે એક સપનું જ બની ગઈ છે. જો કે, સાદા
(ફીચર) ફોનમાં પ્રમાણમાં હજુ ઓછો ભાવવધારો થયો છે. બીજી બાજુ ફોન મોંઘા થતાં અને દેખાડો
વધતાં લોકો ઊંચી કિમતના ફોન લોન પર લેતા થયા છે, તેમ કમલેશભાઈએ
ઉમેર્યું હતું.
સસ્તા ફોન લેનારા ગ્રાહકો નહિવત્
શેઠિયા મોબાઈલના કલ્પેશભાઈ શેઠિયાએ જણાવ્યું હતું કે, પહેલાં 10થી 15 હજાર સુધીના સ્માર્ટફોન લેનારો વર્ગ હતો, જે હવે ગાયબ થઈ ગયો હોય તેવું લાગી રહ્યો છે.
કેમ કે, ફોનની કિંમતોમાં આવેલા ધરખમ વધારાથી લોકો જૂના ફોનને
લાંબા સમય સુધી વાપરતા થઈ ગયા છે, તો ઘણા ગ્રાહકો ઓનલાઈન ખરીદી
કરતા હોવાથી પણ સામાન્ય ગણાતો વર્ગ દુકાન સુધી નથી પહોંચતો તેમ શ્રી શેઠિયાએ કહ્યું
હતું.
મોબાઈલના ભાવમાં બમણાથી પણ વધુ વધારો
હરિઓમ ટેલિકોમના ભાવેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, જે ફોન આઠ હજારનો મળતો, તે હવે 15 હજારથી પણ
વધુની કિંમતનો થઈ ગયો છે. આ રીતે બમણાથી પણ વધુ ઉછાળો આવ્યો છે. તે ઉપરાંત કંપનીઓ નવા
મોડેલ લોન્ચ કરે એટલે જૂના મોડેલને એકઝાટકે બંધ કરી દે છે એટલે ગ્રાહકો માટે કોઈ વિકલ્પ
બચતો નથી તેમ શ્રી ઠક્કરે કહ્યું હતું.
ચાઈનીઝ કંપનીના જ મોબાઈલમાં ઉછાળો કેમ ?
સેમસંગ કે એપલ કંપનીના ફ્લેગશિપ મોબાઈલના ભાવમાં નજીવો વધારો
આવ્યો છે, પરંતુ જેટલા પણ ચાઈનીઝ કંપનીના મોડેલ્સ છે,
તેની કિંમત બે ગણી વધી ગઈ છે. એવું શા માટે થઈ રહ્યું છે તેવો સવાલ જિગર
ટેલિકોમના જિગર ગોરે કર્યો હતો. અમે આ બાબતે સરકારને રજૂઆત પણ કરી છે કે, આ બાબતે વેળાસર નિરાકરણ લવાય. કેમ કે, તેના કારણે ગ્રાહકોને
ખોવાનો વારો આવ્યો છે. એક તરફ લોકો જૂના મોબાઈલ વેચતા નથી અને નવો ખરીદતા નથી,
જેનો માર દુકાનદારને સહન કરવો પડે છે તેમ શ્રી ગોરે જણાવ્યું હતું.
દિવાળી સુધી હજુ પણ ભાવ વધશે
આ વધારો અહીં અટકવાનો નથી,
દિવાળી સુધી સ્માર્ટફોન બજારમાં હજુ મોટો ભાવવધારો આવશે, તેમ પૂજારા ટેલીકોમના રાજભાઈ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે,
આજના સમયમાં મોબાઈલનો વપરાશ વધ્યો છે, પણ પહેલાં
જેમ ત્રણ વર્ષ સુધી ફોન વાપરનારો વર્ગ હવે નવો ફોન લેવાના બદલે તેમાં કોઈ ખરાબી થાય,
તો રિપેર કરાવી લેવાને પ્રાથમિકતા આપે છે. કારણ કે, કિંમતોમાં તોતિંગ વધારો થયો છે. આમ, ફોન મોંઘા થવાનું
કારણ માત્ર એક નથી, પણ એઆઈ, ડેટા સેન્ટરની
વધતી માંગ, મેમરી ચિપના પુરવઠાની અછત અને સેમિકન્ડક્ટર્સ તરફ
થયેલી ઉત્પાદન-પ્રાથમિકતા, અને સપ્લાય ચેનમાં વધી ગયેલો ખર્ચ...
આ બધું મળીને મોબાઇલ બજારને દબાણના ચક્રમાં લઈ ગયું છે. એટલે આજનો ભાવવધારો એ વૈશ્વિક
ટેક અર્થતંત્રમાં ચાલી રહેલા પાવર સિફ્ટિંગનું પરિણામ છે.
ભાવ વધતાં જૂના મોબાઈલનું ચલણ વધ્યું ?
એઆઈ-મેમરી ચિપની અછત સહિતના કારણે નવા સ્માર્ટફોનના ભાવ વધતાં
લોકો હવે જૂના મોબાઈલને લાંબા ગાળા માટે વાપરવાનું પસંદ કરતા હોય તેવો માહોલ સર્જાયો
છે. કોઈ પણ વપરાશકર્તા ઓછામાં ઓછા દોઢથી બે વર્ષ સુધી ફોન વાપરશે તે દૃષ્ટિથી મોબાઈલ
ખરીદે છે, પરંતુ હાલના સમયમાં કમરતોડ ભાવવધારાના લીધે
સામાન્ય માનવી હવે તે ત્રણ કે ચાર વર્ષ સુધી ઉપયોગમાં લે છે અને તે દરમિયાન પણ જો નાની-મોટી
ખામી સર્જાય તો રિપેર કરાવી લે છે. તેથી પણ મોબાઈલ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો
છે.
ટૂંકાગાળામાં નાણાં કમાવવા ઓનલાઈન કીમિયો !
મોબાઈલ કંપનીઓએ ભાવ વધારવાની સાથે વધુ સગવડ આપતા નવા મોડેલ્સ
પણ લોન્ચ કર્યા છે, તેથી જૂના
મોડેલ્સને ડિસકન્ટીન્યૂડ કરી દેવાય છે. આવા મોડેલ્સ જે કિંમતે બંધ થયા હોય તેનાથી 20 ટકા ઓછી કિંમતમાં અમુક સેલર્સ
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઉપલબ્ધ દેખાડીને ગ્રાહકોને
આકર્ષતા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. જ્યારે કોઈ ગ્રાહક એ મોડેલ્સ ખરીદે છે અને
અપફ્રન્ટ નાણાં ચૂકવે છે (એટલે કે, પૂરું ચૂકવણું મોબાઈલ ડિલિવરી પહેલાં જ કરી દે છે.), ત્યારે એક કે બે દિવસમાં ફોન ઘરે આવી જશે તેવું દર્શાવાય છે, પરંતુ એક કે બે દિવસના બદલે અઠવાડિયું કે પખવાડિયું વિત્યા બાદ પણ ડિલિવરી
ન થયા બાદ નાણાં રિફંડ મળે છે. આવા કિસ્સાઓમાં સેલર્સ આ ગાળા દરમિયાન, નાણાંનું અન્યત્ર રોકાણ કરી વધુ કમાણી કરી લે છે અને એ કમાણીમાંથી ગ્રાહકે
ચૂકવેલા નાણાં પરત આપી દેતા હોવાના આક્ષેપો પણ ઊઠયા છે.
કમિશનની લહાયમાં પ્રિ-એક્ટિવ ફોન વેચાતા હોવાની આશંકા
કેટલાક દુકાનદારો ડીલર દ્વારા મળતા ટાર્ગેટને પૂરા કરવા તથા
તે મારફતે વધુ કમિશન મેળવવાની લ્હાયમાં નવા નક્કોર ફોનને વાઈફાઈથી પ્રી-એક્ટિવ કરી
જે-તે કંપનીના મોબાઈલ વેચાઈ ગયા છે, તેવું ડીલરને જણાવે છે, જેથી તે ટાર્ગેટ પૂર્ણ કરવાનું
કમિશન તેમને મળી જાય. આવા કિસ્સાઓમાં પ્રી-એક્ટિવ થઈ જવાથી તેની વોરંટી પણ ત્યારથી
જ શરૂ થઈ જાય છે અને જો મોબાઈલ બે, ત્રણ કે છ માસ બાદ વેચાયા
બાદ જે-તે ગ્રાહકને તેની વોરંટી ઓછી મળે છે, જે ફોનમાં કોઈ ખરાબી
થાય ત્યારે તેને ખબર પડે છે. તેથી ગ્રાહકો થોડા નાણાં બચાવવા કરતાં જીએસટીવાળું પાકું
બિલ લેવાનો આગ્ંહ રાખે તો આવી છેતરપીંડીથી બચી શકાય તેવું આ ક્ષેત્રના જાણકારો જણાવે
છે.
ગ્રાહકો માટે શું સલાહ ?
* તાત્કાલિક જરૂરિયાત હોય તો ભાવવધારા પહેલાં ખરીદી લો
* ફેસ્ટિવલ ઓફર્સ દરમિયાન ભાવોની સરખામણી કરવી
* જરૂરી સ્ટોરેજ મુજબ જ મોડેલ પસંદ કરવું
* જીએસટીવાળું બિલ લેવાનો આગ્રહ રાખો