દયાપર (તા. લખપત), તા. 10 : લખપત તાલુકામાં
બે વર્ષ પહેલાં વિચિત્ર બીમારીથી થતા મોતનાં કારણે બહુ ગાજેલા ભેખડા ગામમાં એવા જ લક્ષણ
સાથે 20 લોકો બીમાર પડતાં તેમને દયાપર
સારવાર અર્થે લઇ જવાયા હતા, જેમાં નાના
બાળકોનો પણ સમાવેશ થાય છે. તાલુકાના દુર્ગમ વિસ્તાર એવા ભેખડા ગામમાં તાવ, ઊલટી, ઉધરસ જેવા લક્ષણો દેખાતાં પ્રથમ વર્માનગર દવાખામાં
દર્દીઓએ સારવાર લીધી હતી, પરંતુ તાવ નહીં ઊતરતાં આજે દયાપર સામૂહિક
આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓને લઇ આવ્યા હોવાનું ભેખડાના અગ્રણી આરબ જતે કહ્યું હતું.
હજુ અમુક દર્દીઓ ખાનગી દવાખાનામાં સારવાર માટે ગયા છે અને વધુ 10 દર્દી પાછળથી આવતા હોવાનું
તેમણે જણાવતાં કહ્યું હતું કે, ગામને
પીવાનું પાણી મળતું નથી. બે વર્ષ પહેલાં જે સ્થિતિ સર્જાઇ તે પુન: પરિસ્થિતિનું નિર્માણ
થયું છે. અઠવાડિયામાં માંડ એકાદ દિવસ પાણી આવે તે પણ અપૂરતું. પશુઓની સંખ્યા પણ વધુ
છે છતાં પાણીની કોઇ વ્યવસ્થા કરાતી નથી, જેથી દૂષિત પાણી પીવું
પડે છે. તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલીમામદ જતે પણ આ બાબતે દૂષિત પાણી જવાબદાર હોવાનું
કહેતાં તંત્રે બે વર્ષ પહેલાં બનેલી ઘટનાને દોહરાવતાં રોગચાળો ત્વરિત અટકાવે અને પીવાના
પાણીની વ્યવસ્થા કરે તેવી માંગ કરી હતી. સામૂહિક આરોગ્ય કેન્દ્રના તબીબ ડો. લોદરાનો
સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, જે દર્દીઓ આવ્યા છે તેની
તપાસ થઈ રહી છે અને જે પણ તકલીફ હશે તે બાબતે
સારવાર કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પહેલાં ભેખડા ગામમાં
કોઇ વિચિત્ર રોગચાળાથી લોકોનાં મૃત્યુ થયાં હતાં અને જિલ્લા આરોગ્ય તેમજ પ્રશાસનની
દોડધામ થઇ હતી.