અંજાર, તા. 11 : અહીં સરહદ ડેરી ધ્વારા
તાલુકાના બુઢારમોરામાં 700 થી વધુ પશુઓને એન્ટિરેબિસ
રસી આપવામાં આવી હતી. ગામના ફતેહપુર વિસ્તારમાં હડકાયેલા પશુના સંપર્કમાં આવવાને કારણે
દુધાળા પશુઓમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા. જેમાં સાતથી આઠ પશુઓના મૃત્યુ થયા હતા.
બુઢારમોરા દુધ ઉત્પાદક સહકારી મંડળીના પ્રમુખ ખીમજીભાઈ સથવારા દ્વારા સરહદ ડેરીના ચેરમેન
વલમજીભાઈ હુંબલને આ અંગે જાણ કરાઈ હતી. ત્યારબાદ તાબડતોબ ડેરીના વેટનરી ટીમના ડો.ધ્રુવભાઈ, પશુધન નિરીક્ષક ભરતભાઈ ડાભી સહિતની ટીમે રસીકરણની કામગીરી સંભાળી હતી. આ વેળાએ
જિલ્લા પંચાયતની પશુચિકિત્સકની ટીમ પણ હાજર રહી હતી. જિલ્લા પંચાયત અને સરહદ ડેરી દ્વારા
પ્રિવેન્ટિવ એન્ટિરેબિસ વેક્સિનેશન અભિયાન આરંભ્યુ હતું. આ પ્રયાસો થકી રોગચાળો વધુ
ફેલાતો અટક્યો હતો. સ્થાનિક મંડળના પ્રમુખ દ્વારા હકારાત્મક અભિગમ બદલ આભારની લાગણી
વ્યક્ત કરવામાં આવી હતી.